વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 10 અને 11 મેના રોજ જામનગરની સંભવિત મુલાકાતે આવી રહ્યા છે. તેમના આગમન પૂર્વે જામનગર શહેર ભાજપ અને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકે નિર્દિષ્ટ હર્ષ સંઘવીએ જામનગરની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થા અને કાર્યક્રમ સ્થળોની સમીક્ષા કરી હતી.

હર્ષ સંઘવીએ શહેરના લાલ બંગલા સર્કલ ખાતે તૈયાર કરવામાં આવેલા ભવ્ય સ્ટેજની મુલાકાત લીધી હતી. વડાપ્રધાનના અભિવાદન માટે આ સ્ટેજ તૈયાર કરાયું છે, જેનું તેમણે ઝીણવટભર્યું નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી.

પીએમ મોદી 10મી મેની રાત્રીએ જામનગર આવી રહ્યા હોવાથી સુરક્ષામાં કોઈ કચાશ ન રહે તે માટે હર્ષ સંઘવીની સાથે ઉચ્ચ સ્તરીય ટીમ જોડાઈ હતી. આ નિરીક્ષણ દરમિયાન સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, કલેક્ટર પરિમલ પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર ડી. એન. મોદી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, રેન્જ આઈજી અને અન્ય પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

