વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવતીકાલે જામનગર પ્રવાસ અને રાત્રિ રોકાણને ધ્યાનમાં રાખીને શહેરભરમાં તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ ચાલી રહી છે. ખાસ કરીને વડાપ્રધાનના એરફોર્સ સ્ટેશનથી લાલ બંગલા સર્કલ સુધીના નિર્ધારિત માર્ગોને સ્વચ્છ, સુવ્યવસ્થિત અને દબાણમુક્ત બનાવવા જામનગર મહાનગરપાલિકા સક્રિય બની છે.
મહાનગરપાલિકા કમિશનર ડી.એન. મોદીના નેતૃત્વ હેઠળ વિવિધ શાખાઓની ટીમો છેલ્લા બે દિવસથી સતત કામગીરી કરી રહી છે. PM રૂટ પર માર્ગોની વિશેષ સફાઈ, દબાણો દૂર કરવાની કામગીરી, કચરાનું તાત્કાલિક નિરાકરણ અને જાહેર સ્થળોને સ્વચ્છ બનાવવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

આ કામગીરીમાં મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા, સફાઈ શાખા, આરોગ્ય શાખા સહિત અન્ય વિભાગોના ૬૦થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓ જોડાયા છે. શહેરના મુખ્ય માર્ગો પર સફાઈ મશીનો, પાણીના ટેન્કરો અને સફાઈ દળો સતત કાર્યરત જોવા મળી રહ્યા છે.
આજે વહેલી સવારથી પણ કામગીરી ચાલુ રાખવામાં આવી હતી, જેમાં PM રૂટના દરેક વિસ્તારોને સંપૂર્ણપણે દબાણમુક્ત અને સ્વચ્છ બનાવવા પર વિશેષ ધ્યાન અપાયું. જામનગરની એસ્ટેટ શાખા દ્વારા 20થી વધુ રેકડી-કેબિનો, એક જૂની રીક્ષા, 40 મોટા હોર્ડિંગ અને 150થી વધુ કિયોસ્ક બોર્ડ ઉતારી મહાનગરપાલિકા કચેરીમાં જમા કરાવવામાં આવ્યા છે.

