Gujarat

પાલનપુર-ઇકબાલગઢ હાઈવે પર ચાલતા ટ્રકમાં આગ લાગી

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર-ઇકબાલગઢ હાઈવે પર અમીરગઢના ગંગાસાગરના પાટિયા નજીક પસાર થઈ રહેલા એક ટ્રકના પાછળના ભાગમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આ ટ્રક આબુરોડથી પાલનપુર તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન ગંગાસાગરના પાટિયા નજીક તેના પાછળના ભાગમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો અને જોતજોતામાં આગ ભભૂકી ઊઠી હતી. આગ લાગતાની સાથે જ ટ્રક ચાલકે સમયસૂચકતા વાપરીને વાહનને રસ્તાની બાજુએ ઊભું રાખી દીધું હતું.

ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી ટ્રકને રસ્તાની બાજુએ ઊભો રાખ્યા બાદ ચાલકે તાત્કાલિક અમીરગઢ પોલીસને આ બનાવ અંગે જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ અમીરગઢ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તાત્કાલિક ફાયર વિભાગને બોલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પાલનપુર ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને પાણીનો સતત મારો ચલાવ્યો હતો અને આગ વધુ ફેલાય તે પહેલાં જ તેને કાબૂમાં લઈ લીધી હતી, જેના કારણે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી.