Gujarat

મણિનગરમાં 5 કલાક ચિંતન-મંથન, PM મોદીના જાહેર જીવનના 25 વર્ષની ઉજવણી પર પણ ચર્ચા

ગુજરાત સરકારના તમામ મંત્રીઓને આવતીકાલે મણિનગર સ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના કાર્યાલય ખાતે યોજાનારી ઉચ્ચ સ્તરીય સમન્વય બેઠક માટે તેડું મોકલવામાં આવ્યું છે. સવારે 8 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી યોજાનારી આ 5 કલાકની વિસ્તૃત બેઠકમાં સરકાર અને સંઘ વચ્ચેના સંગઠનાત્મક તાલમેલ ઉપરાંત રાજ્યની પ્રવર્તમાન રાજકીય, સામાજિક અને વહીવટી પરિસ્થિતિ અંગે વિસ્તૃત ચિંતન-મંથન હાથ ધરવામાં આવશે.

રાજ્યની આર્થિક અને સામાજિક પરિસ્થિતિ પર થશે ઊંડાણપૂર્વક ચર્ચા સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ બેઠકમાં ખાસ કરીને આર્થિક સમૂહ સાથે ગહન વિચાર-વિમર્શ યોજવામાં આવશે. રાજ્યની વર્તમાન આર્થિક અને સામાજિક સ્થિતિ, સરકારી યોજનાઓની જમીની સ્તર પર પ્રગતિ તેમજ આગામી સમયના પ્રાથમિક પ્રોજેક્ટ્સ અંગે તમામ વિભાગોના મંત્રીઓ સાથે સીધો સંવાદ થશે. વિવિધ ક્ષેત્રોમાં લોકહિતના કાર્યોને વધુ ગતિ આપવા અને જનસંપર્ક મજબૂત કરવાના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવશે.

PM મોદીના જાહેર જીવનના 25 વર્ષની ઉજવણીના રોડમેપ પર વિચાર-વિમર્શ આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના સફળ 25 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક પ્રસંગની ઉજવણી અંગે પણ વિશેષ ચર્ચા થવાની શક્યતા છે. આ ઉપલક્ષ્યમાં આગામી સમયમાં સમગ્ર રાજ્યભરમાં યોજાનારા વિશેષ લોકકાર્યક્રમો, વિકાસ ઉત્સવો અને સંગઠનાત્મક ગતિવિધિઓની રૂપરેખા તૈયાર કરવા અંગે પદાધિકારીઓ વચ્ચે વિચાર-વિનિમય કરવામાં આવશે.