Gujarat

ગોધરામાં ગણપતિ યાત્રા ભીડમાં ફસાયેલી 108ને રસ્તો મળ્યો

ગોધરા શહેરમાં ગણપતિની આગમન યાત્રા દરમિયાન માનવતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું. ભીડમાં ફસાયેલી 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સ માટે ગણેશ ભક્તોએ તાત્કાલિક રસ્તો કરી આપ્યો હતો. શ્રીમંત યુવક મંડળ દ્વારા આ ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલથી છવાઈ ગયો હતો.

યાત્રાની ભારે ભીડ વચ્ચે અચાનક એક 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી. એમ્બ્યુલન્સને આગળ વધવા માટે માર્ગ ન મળતા, ગણેશ ભક્તોએ પરિસ્થિતિની ગંભીરતા સમજીને ત્વરિત કાર્યવાહી કરી હતી. ભક્તોએ તાત્કાલિક ભીડને બાજુએ ખસેડીને એમ્બ્યુલન્સ માટે સ્પષ્ટ માર્ગ બનાવી આપ્યો. ગણેશ ભક્તોની આ સતર્કતા અને સહકારના કારણે ઈમર્જન્સી સેવાને સમયસર આગળ વધવાનો માર્ગ મળ્યો, જે દર્શાવે છે કે ધાર્મિક ઉત્સાહ વચ્ચે પણ માનવતા સર્વોપરી છે.