Gujarat

નારણપુરાના યુવક સાથે વર્ક પરમીટના નામે 11.65 લાખની ઠગાઈ

અમદાવાદના નારણપુરામાં રહેતા યુવક સાથે યુરોપ અને દુબઈમાં વર્ક પરમિટ વિઝાના નામે 11.65 લાખની ઠગાઈ થઈ છે. વિઝા એજન્ટે નકલી ઓફર લેટર આપી 60 દિવસના દુબઈના ટૂરિસ્ટ વિઝા આપી યુવકને દુબઇ મોકલ્યો હતો. યુવકને દુબઈમાં રઝળતો કરતા યુવકે અમદાવાદ પરત આવીને વિઝા એજન્ટ સામે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વર્ક પરમિટ અપાવવાની લાલચ આપીને 15 લાખ માગ્યા નારણપુરામાં રહેતા અને પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા 37 વર્ષીય ચિંતન શાહે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે માર્ચ 2024માં તેમની મુલાકાત દીકરીની સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા દેવલ જોષી સાથે થઈ હતી. દેવલે પોતાને વિઝા અને એલઆઈસી એજન્ટ ગણાવીને યુરોપના દેશોમાં વર્ક પરમિટ અપાવવાની લાલચ આપીને રૂ.15,00,000 માગ્યા હતા.

કંપનીનું નામ બ્લર કરેલા ઓફર લેટર મોકલીને છેતરપિંડી કરી વિશ્વાસમાં આવીને ચિંતનભાઈએ ટુકડે ટુકડે ઓનલાઈન અને રોકડા સહિત કુલ રૂ. 16,65,000 ચૂકવ્યા હતા. દેવલે શરૂઆતમાં પોલેન્ડ અને ત્યારબાદ નોર્વેની સેમસંગ કંપનીમાં નોકરી અપાવવાની વાત કરી હતી. તેણે નોર્વેના નકલી અને કંપનીનું નામ બ્લર કરેલા ઓફર લેટર મોકલીને છેતરપિંડીની શરૂઆત કરી હતી, જેના કારણે ચિંતને પોતાની નોકરીમાંથી રાજીનામું પણ આપી દીધું હતું.