અમદાવાદના ઓઢવ વિસ્તારમાં સોશિયલ મીડિયાના વિવાદમાં એક તેજસ્વી વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવી લીધું હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઓઢવની સરફેસ પેરેડાઇઝ સોસાયટીમાં રહેતી 17 વર્ષીય સગીરાને સાથે ભણતા સગીર મિત્રે ઇન્સ્ટાગ્રામ પર વાતચીત બંધ કરી બ્લોક કરી દેતાં મનથી ભાંગી પડેલી વિદ્યાર્થિનીએ પાંચમા માળેથી કૂદકો મારીને આત્મહત્યા કરી લીધી હતી. મૃતક પાસેથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. આ મામલે ઓઢવ પોલીસે સગીર મિત્ર સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મુંબઈ પ્રવાસ બાદ સગીરા ઉદાસ રહેતી હતી ઓઢવના સરફેસ પેરેડાઇઝમાં રહેતા મનોજભાઈ જોશી કર્મકાંડનો વ્યવસાય કરે છે. તેમની 17 વર્ષીય પુત્રી ધોરણ-12 કોમર્સમાં અભ્યાસ કરતી હતી. ગત 26 સપ્ટેમ્બરના રોજ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને મુંબઈ પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા. આ ટૂર દરમિયાન સગીરા સાથે અભ્યાસ કરતો 16 વર્ષીય મિત્ર પણ સાથે હતો. પ્રવાસ દરમિયાન હોટલમાં રોકાણ વખતે સગીરા સાથે રહેતી બહેનપણીઓ જમવા ગઈ ત્યારે સગીર મિત્ર તેના હોટલ રૂમમાં ગયો હતો. મુંબઈ પ્રવાસથી પરત ફર્યા બાદ સગીરા સતત ઉદાસ અને ગુમસુમ રહેતી હતી.
ઇન્સ્ટાગ્રામ પર બ્લોક કરતાં ભાંગી પડી અને મોતની છલાંગ લગાવી ઘટનાની રાત્રે સગીરા પોતાના રૂમમાં વાંચવા ગઈ હતી. તે જ રાત્રે 16 વર્ષીય મિત્રે ઇન્સ્ટાગ્રામ પર તેની સાથે બોલવાનું બંધ કરીને તેને બ્લોક કરી દીધી હતી. આ આઘાત અને માનસિક ત્રાસ સહન ન થતાં સગીરાએ રાત્રિના સમયે ઘરની ગેલેરીની જાળીમાંથી પાંચમા માળેથી નીચે કૂદકો મારી દીધો હતો. સવારે સોસાયટીના રહીશોએ જાણ કરતાં પરિવાર નીચે દોડી ગયો હતો, જ્યાં સગીરા લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી.

