અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતી પરિણીતાને લંડનમાં સ્થાયી થવાના બહાને પિયરમાંથી ટુકડે-ટુકડે રૂ. 25 લાખ મંગાવી લઈને પતિ અને સાસરિયાઓએ શારીરિક-માનસિક ત્રાસ ગુજારવાનુ શરૂ કર્યું હતું. પૈસા લીધા બાદ પતિ લંડન જતો રહ્યો હતો ત્યારબાદ તેણે વાતચીત કરવાનું ઓછું કરી દીધું હતું. પરણિતા પણ લંડન પહોંચ્યા બાદ પતિના અન્ય યુવતી સાથે અનૈતિક સંબંધ હોવાની જાણ થતાં આ બાબતે બંને વચ્ચે તકરાર થઈ હતી.
લંડનથી અમદાવાદ આવ્યા બાદ સાસરિયાંઓને અન્ય યુવતી સાથેના સંબંધોની વાત કરતા તેમણે જો આવું હોય તો તમારે ઘર છોડી દેવું જોઈએ એમ કહી દીધું હતું. જેથી પરિણીતાએ આ મામલે પતિ સહિત સાસરિયા સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
‘હું તને પતિ તરીકે પ્રેમ નહીં આપી શકું’ મેઘાણીનગરની યુવતીના લગ્ન જાન્યુઆરી 2023માં સામાજિક રીતરિવાજ મુજબ નિકોલ ખાતે રહેતા યુવક સાથે થયા હતા. લગ્નના પંદરેક દિવસ બાદથી જ પતિએ ‘હું તને પતિ તરીકે પ્રેમ નહીં આપી શકું’ કહી અણછાજતું વર્તન શરૂ કર્યું હતું. સાસુએ ઘરમાં જોખમ હોવાનું કહી પરિણીતાનો સોનાનો સેટ લોકરમાં મૂકવાના બહાને લઈ લીધો હતો. પરિણીતા પ્રાઇવેટ ટ્યુશન ક્લાસિસ ચલાવતી હતી, તેમાંથી થતી તમામ આવક પણ પતિ પડાવી લેતો હતો. આ ઉપરાંત ઘર અને ગાડીના હપ્તા ભરવાના નામે પિયરમાંથી રૂ. 50 હજાર પણ મંગાવ્યા હતા.

