Gujarat

જામનગર નજીક ફલ્લા પાસે 2.9 કિલો ગાંજો ઝડપાયો

જામનગર જિલ્લામાં “નો ડ્રગ્સ ઇન જામનગર” અભિયાન અંતર્ગત પોલીસને મોટી સફળતા મળી છે. SOG અને પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસે ફલ્લા ગામ નજીકથી 2 કિલો 900 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ ₹1.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આઈ.જી. નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. SOG અને પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસે ખીજડીયા બાયપાસ પાસે સંયુક્ત વાહન ચેકિંગ શરૂ કર્યું હતું.

SOG કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, જયેશભાઈ પઢેરીયા, અશોકભાઈ સિંહલા તેમજ પંચકોશી ‘એ’ પોલીસના નિર્મળસિંહ જાડેજા અને જયદિપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ફલ્લા ગામ નજીક રુદ્રાક્ષ હોટલ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. રાજકોટ તરફથી આવી રહેલી સફેદ કલરની ઈક્કો કારને રોકવામાં આવતા તેમાંથી નશાકારક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો.