Gujarat

ઉપલેટાના નાગવદરમાં ખનિજ ચોરો ‎પર ધોંસ, 35 લાખનો મુદ્દામાલ કબજે‎

ઉપલેટા પંથકમાં ભાદર, મોજ અને વેણુ નદીમાં ખનીજચોરી કરવી સ્વર્ગ સમાન મનાય છે. સરકારી કચેરીની તિજોરીને એક દાયકામાં કરોડો રૂપિયાની નુકસાની થવા પામી છે. આવા ભૂમાફિયાઓ પર અનેક વખત મામલતદારની ટીમે ધોંસ બોલાવી હોવા છતાં ભૂમાફિયાઓ સુધરવાનું નામ નહીં લેતા નાગવદર ગામ પાસે વેણુ નદીમાં ખનીજ ચોરો ઉપર રેન્જ આઈ.જી.ની ટીમ પહોંચી જતાં ભારે નાસભાગ મચી ગઈ હતી.

પ્રાપ્ત થતી વિગત મુજબ નાગવદર ગામે ગધેથડ રોડ ઉપર વેણુ નદીમાં ખનીજચોરીની મળેલી બાતમીના આધારે જિલ્લા રેન્જ આઈજીના પીઆઈ અપૂર્વ પટેલની ટીમના કુલદીપસિંહ ચુડાસમા, રવિરાજસિંહ વાળા, દિવ્યેશભાઈ સુવા, નિકુલભાઈ, પંપાણિયા ત્રાટક્યા હતા અને સ્થળ પરથી એક જેસીબી એક લોડર અને બે ટ્રેક્ટરો મળી કુલ ચાર વાહન સહિત 35 લાખનો મુદ્દામાલ સીઝ કરી દીધો હતો.

આ ખનીજ ચોરીમાં સંકળાયેલા સાગર દાસભાઈ ખાંભલા, હિતેશ કારાભાઈ ભીંટ, દર્શન કનુભાઈ મકવાણા, મપુર ગોવાભાઈ ખીંચ ,રાણા મસરા ખીંટ, રણછોડ દેવા ખીંટને સ્થળ પરથી ઝડપી તમામ સામે ધારાધોરણ મુુજબ કાર્યવાહી હાથ ધરી સ્થાનિક પોલીસને સોંપી દેવામાં આવ્યા હતાં.