Gujarat

રાજકોટમાં રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર કે અન્ય વાજીંત્રો પર પ્રતિબંધ, નિયમ ભંગ બદલ કડક કાર્યવાહી કરાશે

રાજકોટમાં આગામી નવરાત્રીના તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તહેવારો દરમિયાન શહેરમાં શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણ જાળવવા તથા જાહેરનામાનો ચુસ્તપણે અમલ કરાવવા માટે શહેરના તમામ વિસ્તારોમાં આદેશ આપી દેવામાં આવ્યા છે.

લાઉડ સ્પીકર માટે સમય મર્યાદા જાહેરનામા મુજબ માઈક સિસ્ટમ અને વાજીંત્રોના ઉપયોગ માટે ખાસ સમય મર્યાદા નક્કી કરાઈ છે. જે અંતર્ગત 6 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી સવારે 06:00 થી રાત્રે 10:00 વાગ્યા સુધી મંજૂરી રહેશે. જ્યારે નવરાત્રીના દિવસો દરમિયાન તા. 11 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી રાત્રે 12:00 વાગ્યા સુધી જ સ્પીકર અને વાજીંત્રો વગાડી શકાશે.

બંધ સ્થળો અને અવાજ નિયંત્રણ જાહેર કે ખુલ્લી જગ્યાઓમાં અવાજનું પ્રદૂષણ રોકવા અધિકૃત અધિકારીની લેખિત પરવાનગી મેળવવી ફરજિયાત રહેશે. ઓડિટોરીયમ, કોન્ફરન્સ હોલ કે ખાનગી મકાન જેવા બંધ સ્થળોએ યોજાતા ધાર્મિક કે સામાજિક કાર્યક્રમો માટે વિશેષ મંજૂરીની જરૂર રહેશે નહીં, પરંતુ અવાજ સ્થળની બહાર ન જાય તેની ખાસ કાળજી રાખવાની રહેશે.