નવસારી જિલ્લામાં નશાકારક પ્રવૃત્તિઓને ડામવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની મળેલી સૂચના મુજબ જલાલપોર પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. દરમિયાન પી.આઈ. એલ.જી. રાઠોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે વિજલપોરના શ્યામનગર વિસ્તારમાં રેલવે ટ્રેક નજીક છાપો મારવામાં આવ્યો હતો.
પોલીસે રેલવે પોલ નં.235/4/A પાસે ગોરસ આંબલીના વૃક્ષ નીચેથી શંકાસ્પદ હાલતમાં હાજર વૃદ્ધની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી. ઝડપાયેલા આરોપી ગોરખ ચિંતામન પવાર (ઉં.વ. 66, રહે. વંદના પાર્ક સોસાયટી, રામનગર-3, વિજલપોર, મૂળ રહે. ધુળે, મહારાષ્ટ્ર) પાસેથી વેચાણ અર્થે રાખેલો 61 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો રૂ. 3050 મળી આવ્યો હતો.
આરોપી ત્યાં આવતા ગ્રાહકોને છૂટક ગાંજાનું વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે. જલાલપોર પોલીસે ગાંજાનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનામાં અન્ય એક આરોપી ગોલુ (રહે. વિજલપોર) સંડોવાયેલ હોવાનું ખુલતાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.

