Gujarat

રક્ષાબંધન-જન્માષ્ટમીમાં 6,500 વધારાની ST બસો દોડાવાશે

રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો દરમિયાન મુસાફરો અને બહેનોને મુસાફરીમાં સરળતા રહે તે માટે GSRTC દ્વારા 9,500 એક્સ્ટ્રા ટ્રીપો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રક્ષાબંધન નિમિત્તે 26થી 30 ઓગસ્ટ દરમિયાન 6,500 અને જન્માષ્ટમી નિમિત્તે 3,000 વધારાની ST બસો ચલાવવામાં આવશે. આ સુવિધાનો લાભ લેવા માટે નિગમની મોબાઈલ એપ પર એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 88,626 ટિકિટોનું બુકિંગ થઈ ચૂક્યું છે.

મુખ્ય શહેરો અને યાત્રાધામોના રૂટ પર વિશેષ સંચાલન વાહન વ્યવહાર વિભાગ દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગોધરા, પાલનપુર, નડિયાદ, જૂનાગઢ, પોરબંદર અને વલસાડ જેવા મુખ્ય શહેરો ઉપરાંત પાવાગઢ અને અંબાજી જેવા પ્રવાસન તેમજ તીર્થધામોના રૂટ પર વિશેષ બસો ચલાવવામાં આવશે. તમામ ડિવિઝન અને ડેપોને સૂચના આપવામાં આવી છે કે જે રૂટ પર મુસાફરોનો ધસારો વધે તે તરફ ત્વરિત એક્સ્ટ્રા બસો ફાળવવી.

24 કલાકમાં 30 હજાર મુસાફરોએ લાભ લીધો, રેકોર્ડ બુકિંગ છેલ્લા 24 કલાકમાં જ 1,000 એક્સ્ટ્રા ટ્રીપો દ્વારા આશરે 30 હજારથી વધુ મુસાફરોએ સેવાઓનો લાભ લીધો છે. GSRTCની મોબાઈલ એપ મારફતે મુસાફરોએ અગાઉનો 85,247 ઓનલાઈન ટિકિટ બુકિંગનો રેકોર્ડ તોડીને એક જ દિવસમાં 88,626 ટિકિટોનું એડવાન્સ બુકિંગ નોંધાવ્યું છે.