સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ નો ૬૭ મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો
સમૂહ લગ્નના માધ્યમથી સામાજીક ક્રાંતિનો શંખ ફૂકનાર શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી આજે યોજાયેલા ૬૭માં સમૂહ લગ્ન સમારોહમાં ૭૧ યુગલો લગ્ન ગ્રંથીથી જોડાયા છે. આજે ચાર દાયકા પહેલા સમૂહ લગ્ન પ્રવુતિનો પ્રારંભ થયો હતો. ૧૯૮૩ માં પ્રથમ સમુહ લગ્ન સમારોહ યોજાયો હતો. આજે ૬૭માં સમૂહ લગ્ન સમારોહમાં મોટી સંખ્યામાં અગ્રણી મહાનુભાવો રાજસ્વી મહેમાનો સહીત ૧૫૦૦૦ જન સમુદાયની ઉપસ્થિતિમાં લગ્ન સંપન્ન થયા હતા. ૧૫૦ સેવાભાવી સંસ્થાના ૨૦૦૦ સ્વયંસેવકોએ તમામ વ્યવસ્થા સંભાળી સમારોહને ભવ્ય અને સફળ બનાવ્યો હતો.
શ્રી જયંતીભાઈ નારોલાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ શિવમ્ સમૂહ લગ્નોત્સવમાં શ્રી કેશુભાઈ ગોટી, શ્રી ધીરુભાઈ નારોલા, જમનાબા ભવનના નામકરણ દાતા શ્રી હંસરાજભાઈ ગોંડલીયા, સરદારધામ સુરતના પ્રમુખશ્રી જયંતિભાઈ નારોલા,શ્રી રાકેશભાઈ દુધાત અને આગામી ૬૮માં સમૂહ લગ્ન સમારોહના યજમાન પરિવાર શ્રી દાસભાઈ ગજેરા વગેરે મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી અને ધારા સભ્યશ્રીઓ સહીત રાજસ્વી મહાનુભાવોની વિશેષ હાજરી હતી.
*રાષ્ટ્રગીતના ગાન કર્યા પછી*
*લગ્ન વિધીનો પ્રારંભ થયો*
સમાજમાં રાષ્ટ્રીય ચેતના જાગૃત થાય તેવા હેતુથી શુભ પ્રસંગે રાષ્ટ્રગીત ગાનની પરંપરા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતે શરુ કરી છે. સાંજે ૫ કલાકે વરપક્ષ – કન્યાપક્ષના આગમન બાદ સર્વ પ્રથમ ગંગાસ્વરૂપ બહેનોના હસ્તે દીપ પ્રાગટ્ય વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત વિશાળ જન સમુહે પૂરા માન – સન્માન અને રાષ્ટ્રભાવ સાથે ‘રાષ્ટ્રગીત’ નું ગાન કર્યું હતું. ત્યાર બાદ ૭૧ લગ્ન મંડપમાં વર – કન્યાની લગ્ન સંસ્કારવિધીનો પ્રારંભ થયો હતો.
*પરિવારનું ગૌરવ ઘરની મહિલાના*
*ગૌરવમાં સમાયેલું છે.*
ગંગા સ્વરૂપા પુરીબેન માવજીભાઈ શંકર તથા આદરણીય વાલીબેન પરબતભાઈ ધોળકિયા સહીત આદરણીય બહેનોનું અભિવાદન કર્યું હતું. ત્યારબાદ તેઓના હસ્તે શિવમ્ લગ્નોત્સવમાં દીપ પ્રાગટ્ય વિધી કરવામાં આવી હતી. આ પ્રસંગે સૌરાષ્ટ્ર પટેલ સમાજ મહિલા વિંગના શ્રીમતિ જયશ્રીબેન ભાલાળાએ બહેનોને આવકારતા જણાવ્યું હતું કે સમૂહ લગ્ન સમારોહ માત્ર વર – કન્યાની લગ્નવિધિ માટે નથી. તેની સાથે સમાજને સારા જીવન વ્યવહારની દિશા આપવાનો પ્રયાસ પણ કરવામાં આવે છે. પરિવારમાં કે કોઈ શુભ પ્રસંગોએ ગંગા સ્વરૂપ બહેનોને હંમેશા આગળ રાખો અને માન સન્માન આપવા સમાજને પ્રાર્થના કરીએ છીએ. પરિવાર અને સમાજનું ગૌરવ ઘરની મહિલાના ગૌરવમાં સમાયેલું છે.
*સમૂહ લગ્ન સમારોહમાં મેયરશ્રી દક્ષેશ માવાણીએ*
*ડ્રગ્સથી દુર રહીએની પ્રતિજ્ઞા લેવડાવી*
શહેરના પ્રથમ નાગરિક મેયરશ્રી દક્ષેશભાઈ માવાણીએ સમૂહ લગ્ન સમારોહમાં ઉપસ્થિત જન મેદનીને ડ્રગ્સથી દુર રહીએ, સાઈબર ક્રાઈમથી બચીએ અને બેંક એકાઉન્ટ કદી ભાડે ન આપીએ તે માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી. વર્તમાન સમયે સૌથી મોટો પડકાર ડ્રગ્સનું દુષણ છે. ડ્રગ્સથી દુર રહીએ તેમજ સાયબર ક્રાઈમથી બચવા સતત જાગૃત અને સાવચેત રહેવાની જરૂર છે. ઉપરાંત મેયરશ્રીએ નવ યુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા. સુરતની ખૂબસુરતી જાળવવામાં સર્વોને સાથ આપવા અપીલ કરી હતી.
*ખેડૂતો માટે મદદનો હાથ લંબાવનાર*
*ત્રણ દાતા અગ્રણીઓનું અભિવાદન કરાયું*
સૌરાષ્ટ્રમાં કમોસમી ભારે વરસાદથી ખેડૂતોને પારાવાર નુકશાન થયું હતું. ત્યારે ખોડલધામ સમિતિ કાગવડના ટ્રસ્ટી અને જુનાગઢના બાદલપુર ગામના વતની એવા શ્રી દિનેશભાઈ કુંભાણીએ તેમના ગામ બાદલપુર તથા સાખડાપાર અને પ્રભાતપુર તથા સેમરાળા એમ ૪ ગામના તમામ ખેડૂતોને હેક્ટર દીઠ રૂ.૧૧૦૦૦/- ની સહાય અર્પણ કરી છે. તે જ રીતે કૃષ્ણગઢ ગામના વતની અને અર્થશાસ્ત્રી ડો. સંજયભાઈ મુંજપરાએ તેના ગામ કૃષ્ણગઢના ખેડૂતોને આર્થિક સહાય અને ગામમાં સુવિધાઓ માટે સહયોગ આપ્યો છે. સાવરકુંડલાના જીરા ગામના ખેડૂતોને મંડળીનું બાકી દેવુ ચૂકતે કરી દેનાર શ્રી બાબુભાઈ જીરાવાળા આમ ત્રણેય મહાનુભાવોનું શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતે જાહેર અભિવાદન કરી સમાજ ગૌરવથી સન્માનિત કરાયા હતા. તે ઉપરાંત નાની ઉંમરે ધંધામાં વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર માય મોલના ફાઉન્ડર શ્રી મેહુલભાઈ જે. હિરપરા અને શહેરના ગેસ્ટ્રો એન્ટ્રોલોજી મહિલા તબીબ ડો. રિંકલબેન કાકડીયાનું વિશેષ સિદ્ધી બદલ ગૌરવ સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું.
*રક્તદાન શિબિરનું આયોજન*
સમૂહ લગ્નના માંડવે ઉપસ્થિત લોકોને થેલેસેમીયા જાગૃતિ અને રક્તદાન માટે બાળકોએ અપીલ કરી હતી. લોક સમર્પણ બ્લડ બેંકના સહયોગમાં યોજાયેલ શિવમ્ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરીને ૨૦૦ યુનિટ રક્તદાન કર્યું હતું.
*૧૫૦૦૦ લોકોએ સાથે સમૂહ ભોજન લીધું*
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી યોજાતા સમૂહ લગ્ન સમારોહની વિશેષતા એ છે કે, સ્વયંસેવકો સેવા ભાવથી તમામ વ્યવસ્થા સંભાળે છે. શ્રી રમેશભાઈ વાઘાણી અને અરવિંદભાઈ કાકડિયા વગેરે અગ્રણીઓના માર્ગદર્શન નીચે ૧૫૦૦૦ લોકો માટે ભોજન વ્યવસ્થા સંભાળી હતી. ભોજન, ટ્રાફિક, પાર્કિંગ અને મંડપ વ્યવસ્થા માટે કુલ ૨૦૦૦ સ્વયંસેવક મિત્રોએ ખડેપગે સેવા કરી હતી. સમગ્ર કાર્યક્રમમાં સમાજ સેવાની સુવાસથી કામગીરી કરી હતી.
*જમનાબા વિદ્યાર્થી ભવન*
*સમાજ વિકાસનું કેન્દ્ર બને છે.*
સમૂહ લગ્ન સમારોહમાં સર્વોને આવકારતા સંસ્થાના પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, સૌથી વધુ પાટીદારો એક સ્થળ તરીકે સુરતમાં વસે છે. સૌરાષ્ટ્ર સમાજના મહાનુભાવોના માર્ગદર્શન અને સહયોગથી સુરતમાં જમનાબા વિદ્યાર્થી ભવન અને કિરણ મહિલા ભવનનું નિર્માણ થયું છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, જમનાબા વિદ્યાર્થી ભવન હવે સમાજ વિકાસનું કેન્દ્ર બન્યું છે. લોકોને સંસ્થાની વિવિધ સેવા પ્રવુતિઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો અને સમારોહના અંતે સંસ્થાના ઉપપ્રમુખશ્રી સવજીભાઈ વેકરીયા એ આભારવિધિ કરી હતી.
*સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ એકતાનું પ્રતિક છે. – ઘનશ્યામભાઈ શંકર*
સમારોહના યજમાનશ્રી ઘનશ્યામભાઈ શંકરે સંસ્થા પ્રત્યેય આભારભાવ પ્રગટ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા ૪૫ વર્ષથી કાર્યરત શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત ખરેખર એકતાનું પ્રતિક છે. સમાજને જોડી રાખવાનું ઉમદા કાર્ય કરે છે. ઘનશ્યામભાઈ શંકરે નવ યુગલોને દાંમપત્યજીવનની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે મહેમાનો તથા આયોજક ટીમ અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંકલન શ્રી ભવાનભાઈ નવાપરા, શ્રી હરિભાઈ કથીરિયા, અને ટ્રસ્ટીઓ તથા ૧૫૦ સેવાભાવી સંસ્થાઓના અગ્રણીઓએ સંભાળ્યું હતું. કાર્યક્રમનું સંકલન હાર્દિકભાઈ ચાંચડ, ભાવેશભાઈ રફાળીયા અને અંકિતભાઈ બુટાણી, રાજુભાઈ ગૌદાની તથા અંકિતભાઈ સુરાણીએ સંભાળ્યું હતું.







