જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં મકરસંક્રાંતિ પર્વ દરમિયાન પતંગ અને દોરાના કારણે કુલ 78 પક્ષીઓ ઘાયલ થયા હતા. આ ઉપરાંત, 23 વ્યક્તિઓ પણ ઈજાગ્રસ્ત થઈ હતી. તમામ ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવી છે, જ્યારે ઈજાગ્રસ્ત વ્યક્તિઓમાંથી બે હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ઘાયલ થયેલા પક્ષીઓમાં 19 કબૂતર, એક કાગડો, એક કોયલ અને એક પોપટનો સમાવેશ થાય છે. ફોરેસ્ટ વિભાગ, મહાનગરપાલિકા અને વિવિધ એનજીઓ સંસ્થાઓ દ્વારા કરુણા અભિયાન હેઠળ સ્થાપિત હંગામી સારવાર કેન્દ્રોમાં આ તમામ પક્ષીઓને તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવી હતી. સદભાગ્યે, પતંગના દોરાના કારણે એક પણ પક્ષીના મૃત્યુના અહેવાલ નથી.

પતંગના દોરાથી ઈજાગ્રસ્ત થયેલા 23 વ્યક્તિઓમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. તેમને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ 21 વ્યક્તિઓને રજા આપી દેવામાં આવી હતી. હાલ બે વ્યક્તિઓ જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

સારવાર હેઠળના દર્દીઓમાં હાપા વિસ્તારના 40 વર્ષીય રાજેશ મકવાણાનો સમાવેશ થાય છે, જે નવા ફ્લાયઓવર બ્રિજ પરથી પસાર થતી વખતે પતંગના દોરાથી ગળાના નીચેના ભાગે ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને ભારે રક્તસ્ત્રાવ થયો હતો અને હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત, આંબેડકર બ્રિજ પરથી પસાર થઈ રહેલા 42 વર્ષીય ડોલન સમીરભાઈ દાસ પણ પતંગના દોરાથી ઈજાગ્રસ્ત થતાં જી.જી. હોસ્પિટલમાં દાખલ છે.

