વિદેશમાં વર્ક પરમિટ માટે મોકલવાની લાલચ આપીને વડોદરા નજીક આવેલ આજોડના યુવક પાસેથી 8.50 લાખ રૂપિયા પડાવી લઈ છેતરપિંડી કરી છે. યુવકે રૂપિયા પરત માંગતા બંને આરોપીઓએ મારી ઉપર સુધી પહોંચ છે, પોલીસ કે કોર્ટનો કોઈ ડર નથી, જે કરવું હોય તે કરી લો, તને કોઈ દેશમાં જવા નહીં દઉં અને તેનું ભવિષ્ય બગાડી દઈશ તેવી ધમકી આપી હતી. આ મામલે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
વડોદરા જિલ્લાના આજોડ ખાતે રહેતા યશ ધવલભાઈ મહેતાએ વિદેશ જવા માટે વર્ષ 2023માં પોતાના મિત્ર મારફતે કશ્યપ જિજ્ઞાસુ પટવાનો સંપર્ક કર્યો હતો. કશ્યપે પોતાના પિતા અને તિરુપતિ કન્સલ્ટન્સીના જિજ્ઞાસુ પિયુષ પટવા દ્વારા કેનેડા વર્ક પરમિટ વિઝા કરાવી આપવાની ખાતરી આપી હતી. આરોપીઓએ વિશ્વાસમાં લઈને જરૂરી દસ્તાવેજો મંગાવી પ્રોસેસ શરૂ કરવાની વાત કરી હતી અને 8.50 લાખ વસૂલ કર્યા હતા.
આરોપીઓએ વર્ક પરમિટ વિઝા થઈ જશે તેવી ખાતરી આપી હતી, પરંતુ વારંવાર પૂછપરછ કરતા ખોટા દસ્તાવેજો, નકલી વેબસાઇટ અને બનાવટી ઈમેઇલ બતાવી ત્રણ વર્ષ સુધી તેમને બહાના બતાવ્યા હતા. તેમણે પછી તપાસ કરતા જાણવા મળ્યું કે કોઈ પણ પ્રકારની વિઝા પ્રક્રિયા કરવામાં આવી નથી. તેમણે પૈસા પરત માંગતા આરોપીઓએ ઓફિસમાં બોલાવી બહાના બનાવ્યા અને અંતે રૂપિયા આપવાનો ઈન્કાર કર્યો હતો.

