પંચમહાલ જિલ્લામાં 80મા સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી ગોધરા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગૌરવપૂર્ણ માહોલમાં કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મોટી સંખ્યામાં અધિકારીઓ, પદાધિકારીઓ, આમંત્રિત મહેમાનો તેમજ નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.
મુખ્ય ધ્વજવંદન સમારોહમાં ગુજરાત રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન અને ગૌસંવર્ધન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી રમેશ કટારા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો, ત્યારબાદ ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગાન સાથે તિરંગાને સલામી આપી હતી.

ધ્વજવંદન બાદ મંત્રી રમેશ કટારાએ ખુલ્લી જીપમાં બેસીને પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને પરેડની સલામી ઝીલી હતી. પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં મંત્રીએ દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓને સ્મરણ કરી નાગરિકોને રાષ્ટ્રભાવના અને દેશપ્રેમની ભાવના જાળવી રાખવા પ્રેરણા આપી હતી.
આ પ્રસંગે પંચમહાલ જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરનાર કર્મયોગીઓ તથા મહાનુભાવોને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને સાંસ્કૃતિક ભાવનાથી ભરપૂર રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેને ઉપસ્થિત સૌએ ઉત્સાહપૂર્વક વધાવી લીધા હતા. સાથે જ પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

