Gujarat

જામ્યુકોનું બાકી લેણું 848.88 કરોડ, મિલ્કત વેરાના જ રૂા. 550.90 અને પાણી વેરાના રૂા. 142.49 કરોડ

જામનગર મહાનગરપાલિકાનુ વર્ષ 2026-27નુ ડ્રાફટ અંદાજપત્ર સ્થાયી સમિતિમાં રજુ કરાયુ હતુ જેમાં આર્થિક ભારણના કારણે જુદા જુદા કરદરમાં મળી રૂા.9.10 કરોડનો વધારો સુચવાયો છે. અંદાઝપત્રમાં જાહેર થયા અનુસાર મનપા પર અંદાજિત 1027 કરોડ (વિવિધ વિભાગો અને સરકાર)નુ દેણુ છે જયારે મહાપાલિકાને શહેરીજનો તથા સરકાર પાસેથી મળી રૂા. 848.88 કરોડનુ લેણુ બાકી દર્શાવાયુ છે.

જેમાં માત્ર મિલ્કત વેરાના પેટેજ લગભગ 550.90 કરોડનો સમાવેશ થાય છે જયારે પાણી વેરાના પણ બાકી રૂા. 142.49 કરોડ દર્શાવાયા છે.તંત્ર વેરા વસુલાતમાં ઉણું ઉતર્યુ હોવાનુ ચિત્ર મસમોટી બાકી રકમ પરથી ઉપસી રહયુ છે. જામનગર મહાનગરપાલિકાનુ વર્ષ 2025-06નુ રીવાઈઝડ તથા વર્ષ 2026-27નુ રૂા. 1860 કરોડનુ ડ્રાફટ અંદાજપત્ર સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેનને સુપરત કરવામાં આવ્યુ હતુ.જેમાં જાહેર થયા અનુસાર મહાપાલિકાને વિવિધ 19 વોર્ડ(વિભાગ)ના શહેરીજનો ઉપરાંત સરકાર પાસેથી વિવિધ લેણા પેટે 848.88 કરોડ દર્શાવાયા છે જેમાં મિલ્કત વેરા પેટે જ લગભગ 2.16 લાખ કરદાતા પાસેથી 550.90 કરોડનો સમાવેશ થાય છે.

જેમાં સૌથી વધુ વોર્ડ નં. 2માં 123.94 કરોડ બાકી દર્શાવાયા છે જયારે વોર્ડ નં. 9માં સૌથી ઓછા 3.60 કરોડ જાહેર થયા છે.જયારે મનપાને અંદાજિત 85 હજારથી વધુ કરદાતાઓ પાસેથી પાણી વેરા પેટે 142.49 કરોડ લેવાના રહે છે.જેમાં કારપેટ બેઇઝ પધ્ધતિ મુજબ 78 હજારથી વધુ કરદાતા પાસેથી 91.67 કરોડ, રેન્ટ બેઇઝ પધ્ધતિ મુજબ 7 હજારથી વધુ કરદાતા પાસેથી 21.95 કરોડ અને સ્લમના 22 હજારથી વધુ કરદાતા પાસેથી 28.86 કરોડ દર્શાવવામાં આવ્યા છે.