Gujarat

મોબાઈલ બાબતે માતાએ ઠપકો આપતા ધો-9ના વિદ્યાર્થીએ ફાંસો ખાધો, અવસાન પામેલા પુત્રના વિરહમાં પિતાએ જીવન ટૂંકાવ્યું

શહેરના ડિંડોલી વિસ્તારમાં આપઘાતની 2 અલગ-અલગ કરુણ ઘટનાઓ સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રથમ બનાવમાં મોબાઈલ જોવા બાબતે માતાએ ઠપકો આપતા માઠું લાગી આવવાથી ધોરણ 9માં અભ્યાસ કરતા કિશોરે ઘરમાં જ પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. જ્યારે બીજા બનાવમાં અઢી મહિનાના વહાલસોયા પુત્રના મોત બાદ ડિપ્રેશનમાં સરી પડેલા પિતાએ અંતિમ પગલું ભરી જીવન ટૂંકાવ્યું હતું.

માતાના ઠપકાથી લાગી આવતા વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું પ્રાપ્ત વિગતો અનુસાર, ડિંડોલીના રામદેવનગરમાં રહેતો મહેશ શંભુપ્રસાદ પટેલ જ્ઞાનસાગર સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતો હતો. તેની માતા સિલાઈકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે અને પરિવારમાં તેને 1 ભાઈ તથા 2 બહેન છે. રવિવારે સવારે મહેશ મોબાઈલ જોઈ રહ્યો હોવાથી માતાએ તેને ઠપકો આપ્યો હતો. આ બાબતનું માઠું લાગી આવતા કિશોરે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો.

સિવિલ હોસ્પિટલમાં માતાના આક્રંદથી ગમગીની છવાઈ બનાવની જાણ થતા જ કિશોરને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. વહાલસોયા પુત્રના મોતના પગલે માતા સિવિલ હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં ચોધાર આંસુએ રડી પડી હતી. માતાએ ઠપકો આપતા આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે, જોકે ડિંડોલી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.