અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં આવેલી કરોડો રૂપિયાની કિંમતી 7 હજાર વાર જમીન અને તેના પર નિર્માણ પામેલા ‘હાઇફાઇ-25’ પ્રોજેક્ટને સુનિયોજિત ષડયંત્ર રચીને કવડી મોલે પચાવી પાડવાનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે.
બજારમાં આશરે ₹50 કરોડ અને જંત્રી મુજબ ₹35થી ₹40 કરોડની કિંમત ધરાવતી આ મિલકતને મહેસાણા અર્બન કો.ઓપરેટિવ બેંકના પૂર્વ CEO અને CFM એસેટ રિકવરી કંપનીના અધિકારીઓએ મેળાપીપણું કરીને માત્ર ₹6.25 કરોડની નજીવી વેલ્યુએશન દર્શાવી વેચી મારી હતી. આ સમગ્ર મામલે નારોલ પોલીસ મથકે બેંકના નિવૃત્ત CEO સહિત 5 શખ્સો સામે છેતરપિંડી અને વિશ્વાસઘાત સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
₹5 કરોડની લોન સામે કરોડોનો પ્રોજેક્ટ NPA તરફ ધકેલાયો થલતેજ વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા 49 વર્ષીય બિલ્ડર જતિન દિલીપભાઈ જાનીએ નારોલ ખાતે વર્ષ 2013 માં ‘હાઇફાઇ-25’ નામથી 192 ફ્લેટ અને 38 દુકાનોનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. આ પ્રોજેક્ટના બાંધકામ માટે મહેસાણા અર્બન કો.ઓપરેટિવ બેંકમાંથી ₹5 કરોડની પ્રોજેક્ટ લોન લેવામાં આવી હતી.
ફરિયાદમાં કરાયેલા ગંભીર આક્ષેપ અનુસાર, લોન મંજૂર કરવાના વહીવટ પેટે તત્કાલીન બેંક CEO દ્વારા ₹40 લાખની રકમ પણ બળજબરીપૂર્વક પડાવી લેવાઈ હતી. બાદમાં પ્રોજેક્ટમાં ભાગીદારો બદલાતાં લોન ભરપાઈ બાબતે બેંક અધિકારીઓ સાથે વિવાદ શરૂ થયો હતો.

