દેણપ નજીક હિટ એન્ડ રન, ચાલક ફરાર, પોલીસ તપાસ શરૂ
વિસનગર તાલુકાના દેણપ ગામ નજીક ગત રવિવારે સાંજે એક હિટ એન્ડ રન અકસ્માત સર્જાયો હતો. ખેતરમાંથી માતા-પિતા સાથે ઘરે પરત ફરી રહેલી ૯ વર્ષની બાળકી નેહા દેવીપૂજકને પૂરપાટ ઝડપે આવતી વેગનર કારે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાળકીને ગંભીર ઈજાઓ થતાં તેની હાલત નાજુક છે. બાળકીના પિતા નરેશભાઈ ચંદુભાઈ દેવીપૂજકે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ તેમની પત્ની અને પુત્રી નેહા સાથે ખેતરમાંથી મજૂરી કામ પતાવી ઘરે પરત ફરી રહ્યા હતા. રવિવારે સાંજે આશરે ચાર વાગ્યાના સુમારે કરલી-દેણપ રોડ પર ચાલતા હતા ત્યારે, પાછળથી જીજે ૦૧ એચ.ક્યુ. ૬૨૮૯ નંબરની વેગનર કારના ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી નેહાને ટક્કર મારી હતી.
ટક્કર એટલી જાેરદાર હતી કે નેહા રોડ પર ફંગોળાઈ ગઈ હતી. તેને મોઢા અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક તેને વિસનગર સિવિલ, ત્યારબાદ વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. માથામાં ગંભીર ઈજાને કારણે વધુ સારવાર માટે તેને મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ છે, જ્યાં તેની હાલત બેભાન હોવાનું જણાવાયું છે.
આ ઘટના અંગે બાળકીના પિતા નરેશભાઈ દેવીપૂજકે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (મ્.દ્ગ.જી.) ની કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) અને મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭, ૧૮૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

