Gujarat

હોટલક્ષેત્રે વિકટ પ્રશ્નો ઉકેલવા ભાવેણાની યુવતીએ સ્કોટલેન્ડમાં વિકસાવ્યો સોફ્ટવેર

વર્તમાન ટેક્નોક્રેટની દુનિયામાં ભાવેણાની જેતલ ઝાલા નામની યુવતીએ વધુ એક ક્રાંતિ લાવી છે. નાની નાની રેસ્ટોરન્ટ, કેફેથી લઈ મોટી હોટલમાં કાર્બન ઉત્સર્જન ટ્રેક કરવા, યુટિલિટી ખર્ચ મોનીટર કરવા અને વેસ્ટ મેનેજમેન્ટ સંબંધિત વધુ સારા ર્નિણયો લેવા SaaS નામનો સોફ્ટવેર વિકસાવ્યો છે.ભાવનગરની જેતલ દેવલભાઈ ઝાલા ઈકોબેલન્સની સ્થાપક તરીકે યુકેમાં નાના બિઝનેસ માટે સસ્ટેનેબલ ટેક્નોલોજીની ઉદયમાન આગેવાન તરીકે ઓળખાઈ રહી છે.

સ્કોટલેન્ડમાં પોતાની બે ભારતીય રેસ્ટોરન્ટ્સ ચલાવવાના પ્રાયોગિક અનુભવના આધારે તેમણે ઈકોબેલન્સ નામનું SaaS પ્લેટફોર્મ વિકસાવ્યું. આ સોફ્ટવેર માત્ર એક કલ્પનાત્મક ક્લાઇમેટ-ટ્રેક પ્રોડક્ટ તરીકે નહીં, પરંતુ સ્વતંત્ર હૉસ્પિટાલિટી બિઝનેસ સામે ઊભા થતા વાસ્તવિક ઓપરેશનલ પડકારોના ઉકેલ તરીકે બનાવવામાં આવ્યો છે.યુકેમાં અન્ય ભારતીય રેસ્ટોરન્ટ્સ દ્વારા પણ તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

તેના કારણે યુટિલિટી બિલમાં ૧૫% બચત તથા માસિક વેસ્ટ ખર્ચમાં ૨૫% જેટલો ઘટાડો શક્ય બન્યો છે.સ્કોટલેન્ડમાં સ્થાયી થયેલી ભાવનગરની જેતલ ઝાલા પર્યાવરણશાસ્ત્રમાં ડબલ માસ્ટરની ડિગ્રી ધરાવે છે. હાલમાં તેઓ સ્કોટલેન્ડના બે શહેરો એડીનબર્ગ અને ગ્લાસગોમાં રેસ્ટોરન્ટ વ્યવસાયમાં છે. જેતલ ઝાલા દ્વારા વિકસાવવામાં આવેલ SaaS સોફ્ટવેર રોજિંદા ધંધાકીય રેકોર્ડ્સ જેવા કે વીજળી, ગેસ, પાણી અને ફૂડ વેસ્ટ બિલના ડેટાનું એકત્રિકરણ કરે છે. તેમજ તમામને વ્યવસ્થિત ગોઠવીને સ્પષ્ટ રિપોર્ટ પણ તૈયાર કરે છે.

સોફ્ટવેરની મદદથી આ વ્યવસાય સાથે સંકળાયેલા સંચાલકો બિનકાર્યક્ષમ ક્ષેત્રોને ઓળખી બિનજરૂરી ખર્ચ ઘટાડી શકે અને નફો પણ વધારી શકે. આ સોફ્ટવેર રેસ્ટોરન્ટ તથા કેફે માલિકોને કાર્બન ઉત્સર્જનની અસર ઘટાડવા વ્યવહારો સૂચનો પણ આપે છે. જેથી તેની સામાજિક અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવી શકે. SaaS સોફ્ટવેર માત્ર કાગળ પરનો નહીં પરંતુ વાસ્તવિક રેસ્ટોરન્ટના સંચાલનમાં ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે.

વડાપ્રધાનની પર્યાવરણ બચાવવા પ્રત્યેની જાગૃતતાએ ભાવેણાની જેતલ ઝાલાને આ પ્રકારના સોફ્ટવેર બનાવવાની પ્રેરણા આપી હતી.ઈકોબેલન્સ દ્વારા જેતલ ઝાલાએ આ બનાવેલી ટેક્નોલોજી માત્ર મોટી કંપનીઓ માટે જ નહીં, પરંતુ નાના વ્યવસાયોને વધુ કાર્યક્ષમ અને પર્યાવરણપ્રતિ જવાબદાર બનાવવા માટે શક્તિશાળી સાધન બની શકે છે. ઉદ્યોગ સાહસિકતા, ટેક્નોલોજી અને સ્થિરતાને જાેડતી તેમની આ પહેલ યુકેના નાના હૉસ્પિટાલિટી ક્ષેત્ર માટે એક પ્રેરણાદાયી મોડેલ છે.