Gujarat

કચ્છના ઝુરા ગામે સોલાર પ્લાન્ટમાં ભીષણ આગ

કચ્છના ઝુરા ગામે આવેલા સોલાર પ્લાન્ટમાં ભીષણ આગ લાગી હતી. ઉનાળાની શરૂઆત સાથે કચ્છમાં આગના બનાવો વધ્યા છે.ઝુરા ગામ સ્થિત અયાના રિન્યુએબલ પાવર પ્રાઇવેટ લિમિટેડના ખુલ્લા પ્લોટમાં સંગ્રહિત સામગ્રીમાં અચાનક આગ ફાટી નીકળી હતી.

આ આગમાં ઇલેક્ટ્રિકલ કેબલ, લાકડાની પ્લેટ, પ્લાસ્ટિક સામગ્રી અને સોલાર પ્લેટ સંબંધિત વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી.ઘટનાની જાણ થતાં જ ફાયર ઓફિસર સચિન પરમારને ફોન મળ્યો હતો. ભુજ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક એક વોટર બ્રાઉઝર સાથે ઘટનાસ્થળે પહોંચી હતી.

આ આગને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. ફાયર ટીમે સતત ચાર કલાક સુધી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે.ઉલ્લેખનીય છે કે, ઉનાળાની તીવ્ર ગરમીને કારણે કચ્છ જિલ્લામાં આગ લાગવાના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.