Gujarat

ટેકરી ચોક વિસ્તારમાં 93 ગ્રામ ગાંજા સાથે એક શખસ ઝડપાયો

ભાવનગરના ટેકરી ચોક વિસ્તારમાં ગાંજાના વેચાણનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ઘોઘારોડ પોલીસે મહાકાળી માતાના મંદિર પાસેથી 93 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખસને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે ટેકરી ચોકમાં રહેતા અન્ય શખસ પાસેથી ગાંજો લાવી છૂટક વેચાણ કરતો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે બંને સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગાંજો લાવનાર અને વેચનાર બન્ને સામે ગુનો ઘોઘારોડ પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે, ટેકરી ચોકમાં આવેલા મહાકાળી માતાના મંદિર પાસે સાગર કિશોર રાઠોડ ગાંજાનો જથ્થો રાખી તેનું વેચાણ કરી રહ્યો છે. જેથી પોલીસે દરોડો પાડી સાગર રાઠોડને ઝડપી પાડ્યો હતો. તેની તલાશી લેતાં ઝબલામાંથી 93 ગ્રામ ગાંજો, જેની કિંમત રૂ. 4,650 થાય છે, તેમજ રૂ. 2,000ની કિંમતનો મોબાઈલ મળી આવ્યો હતો.

પોલીસે કુલ રૂ. 6,650નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી સાગર રાઠોડની પૂછપરછ કરતાં તેણે ટેકરી ચોકમાં રહેતા પંકજ ઉર્ફે પકો શાંતિ પરમાર પાસેથી ગાંજો લાવી છૂટક વેચાણ કરતો હોવાનું જણાવ્યું હતું. આ કબૂલાતના આધારે ઘોઘારોડ પોલીસે બંને શખસ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.