ભાણવડના રણજીતપરા વિસ્તારમાં એક ઘરમાં વોશિંગ મશીનમાંથી ઝેરી કોબ્રા સાપ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનાને પગલે ઘરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સાપ મશીનના આંતરિક ભાગમાં છુપાયેલો હોવાથી, તેને બહાર કાઢવા માટે વોશિંગ મશીનના ટેકનિશિયનને બોલાવવામાં આવ્યા હતા. ટેકનિશિયને મશીનના સ્પેરપાર્ટ્સ ખોલ્યા હતા.
એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટના રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટે ટેકનિશિયન અજયભાઈ ખત્રીની મદદ લીધી હતી. તેમણે અત્યંત સાવધાનીપૂર્વક ફૂંફાડા મારતા કોબ્રા સાપને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યો હતો. બાદમાં આ ઝેરી સાપને બરડાના જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો. નિષ્ણાતોએ ઉનાળાની ગરમીમાં સાપથી સાવચેત રહેવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, જો સાપ દેખાય તો તેને મારવાને બદલે રેસ્ક્યુઅર અથવા વન વિભાગને જાણ કરવી જોઈએ.

