નવી દિલ્હીમાં 20થી 25 માર્ચ દરમિયાન યોજાયેલી ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ (AICS) 2025-26 સંગીત-નૃત્ય-નાટક સ્પર્ધામાં ભરૂચના સરકારી ઇજનેરી કોલેજના પ્રાધ્યાપક ડો. સ્વરલ રવિન નાયકે રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
દેશભરના સરકારી કર્મચારીઓ વચ્ચે યોજાતી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ડો. નાયકની ગુજરાતમાંથી પસંદગી થઈ હતી. તેમણે ગુજરાત સેક્રેટરિયેટ ટીમનું પ્રતિનિધિત્વ કરતા સુગમ સંગીત ગાયન કેટેગરીમાં પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું.
તેમણે પ્રખ્યાત શાયર બશીર બદ્રની ગઝલ “लोग टूट जाते हैं एक घर बनाने में, तुम तरस नहीं खाते बस्तियाँ जलाने में” ને પોતાના સ્વરાંકન સાથે રજૂ કરી હતી. આ રજૂઆતને નિષ્ણાત જજિસ અને શ્રોતાઓ તરફથી વિશેષ પ્રશંસા મળી હતી.
દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા પ્રતિસ્પર્ધીઓ વચ્ચે ડો. સ્વરલ નાયકે પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ જીત્યો છે. ઉલ્લેખનીય છે કે, તેમણે અગાઉ વર્ષ 2023-24માં નાગપુર ખાતે યોજાયેલી આ જ સ્પર્ધામાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

