શહેરના ઈસનપુર વિસ્તારમાંથી એક ખુબજ ચોંકાવનારી અને આઘાતજનક ઘટના બનવા પામી હતી જેમાં, વિસ્તારની સરદાર પટેલ સ્કૂલની પાછળ આવેલા તીર્થભૂમિ એપાર્ટમેન્ટના કમ્પાઉન્ડમાં ૨૧ વર્ષીય જીગર શૈલેષભાઈ સોલંકી નામના યુવક પર અજાણ્યા ઈસમે ર્નિદયતાપૂર્વક હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો છે. મૂળ પોતાના મામા સાથે રહીને સિલ્વર ઓક યુનિવર્સિટીમાં બી.વોક ફાઈનાન્સનો અભ્યાસ કરતો જીગર ઘટનાની રાત્રે પોતાની હોન્ડા એક્સ્ટ્રીમ મોટરસાયકલ લઈને મિત્રને મળવા જવું છે તેમ કહીને ઘરેથી નીકળ્યો હતો.
આ ઘટનાની રાત્રે આશરે ૯:૧૫ થી ૧૦:૩૦ વાગ્યાના સમયગાળા દરમિયાન જીગર તીર્થભૂમિ એપાર્ટમેન્ટમાંથી ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. તેના ખભા, હાથ, ગાલ, થાપા સહિત શરીરના અલગ-અલગ ભાગો પર માર માર્યાના ગંભીર નિશાનો હતા. સ્થાનિકો અને પરિજનો દ્વારા તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેને સારવાર અર્થે એલજી (ન્ય્) હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો, પરંતુ કમનસીબે સારવાર દરમિયાન ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
આ ઘટના અંગે ફરિયાદીના નિવેદનના આધારે ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા હુમલાખોર વિરુદ્ધ હેઠળ હત્યાનો ગુનો નોંધી સમગ્ર ઘટનામાં ઉંડાણપૂર્વક તપાસ ચાલુ કરી છે.

