Gujarat

ગાંધીનગરના યુવકનું જન્મદિવસે જ મોત

ગાંધીનગરના ગીફ્ટ સિટી અને વલાદ બ્રિજ નેશનલ હાઇવે-48 પર ગરબા રમીને મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કર્યા બાદ ઘરે પરત ફરી રહેલા યુવકને અજાણ્યો ટ્રક ચાલક અડફેટે લઈ નાસી ગયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ યુવકનું જન્મદિવસના દિવસે જ કરુણ મોત નીપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ અંગે ડભોડા પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગરબા રમી મિત્રને મળવા જતો હતો દહેગામના રહેવાસી ધ્રુવ બારોટ તેમના ભાઈ હર્ષ બારોટ પરિવાર અને મિત્રો સાથે નવરાત્રીમાં ગરબા રમવા માટે વૈષ્ણોદેવી સર્કલ પાસે ગયા હતા. ગરબા પૂરા થયા બાદ સવારના આશરે ત્રણેક વાગ્યાના અરસામાં 25 વર્ષીય હર્ષ બારોટને તેના મિત્ર યશ બારોટે ફોન કરીને પીડીપીયુ ખાતે મળવા બોલાવ્યા હતા.

બર્થડેની કેક કાપી નરોડ જવા નીકળ્યો હતો આજે હર્ષની બર્થ ડે હોવાથી તેના મિત્રો યશ બારોટ, દર્શન બારોટ અને દેવ સોલંકીએ કેક લાવી સરપ્રાઈઝ રાખી હતી. જ્યાં બધાએ સાથે મળીને હર્ષની જન્મદિવસની કેક કાપી હતી. કેક કાપ્યા બાદ હર્ષ બારોટ પોતાની બલેનો ગાડી લઈને તેના મિત્રો સાથે નરોડા તરફ જવા નીકળ્યો હતો.

બ્રિજ પાસે રોડની સાઈડમાં ટ્રક ચાલકે ટક્કર મારી દરમિયાન આજે સવારના આશરે સાડા ચારેક વાગ્યાના અરસામાં હર્ષ અને તેના મિત્રો મોટા ચિલોડાથી નાના ચિલોડા તરફ જતા નેશનલ હાઇવે-48 પર ગીફ્ટ સિટી જેઠીપુરા બ્રિજ ઉતરી વલાદ બ્રિજ પહેલા રોડ સાઇડમાં ગાડી ઉભી રાખીને વોશરૂમ માટે નીચે ઉતર્યા હતા.

જોકે હર્ષ જેવો ગાડીનો દરવાજો ખોલીને નીચે ઉતરવા ગયો કે તરત જ પાછળથી પૂરઝડપે આવી રહેલા એક અજાણ્યા ટ્રક ચાલક તેને જોરદાર અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતના પગલે અન્ય મિત્રો સમસમી ગયા હતા. જે મિત્રની જન્મદિવસની કેક આપી તે હર્ષ નિસ્તેજ અવસ્થામાં રોડ પર પડેલો હતો.