ભાવનગર નજીક ઉખરલા-માળનાથ રોડ પર એક યુવકનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૂળ ખડસલીયા ગામના અને હાલ ઘોઘારોડ પર આવેલા શિવપાર્ક-3માં રહેતા 29 વર્ષીય યુવાન ઉપર અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જે મામલે મૃતકના ભાઈએ વરતેજ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
શું છે સમગ્ર ઘટના? ખડસલીયા ગામે રહેતા અને પ્લમ્બિંગનું મજૂરી કામ કરતા દીપક હિંમત ડાભીએ વરતેજ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેમના નાના ભાઈ મુન્ના ડાભી સાથે રહી પ્લમ્બિંગનું કામ કરતા હતા. તા. 24 ઓક્ટોબરના રોજ ભાવનગર શહેરના હિલપાર્ક વિસ્તારમાં મકાનનું કામ ચાલી રહ્યું હોવાથી મુન્ના ત્યાં કામ સમજાવીને જતા રહ્યા હતા. બાદમાં કામ પૂર્ણ થયા પછી તેઓએ મુન્નાભાઈને ફોન કરતા તેણે ફોન રિસીવ ન કર્યો હતો. જેથી તેઓ ખડસલીયા ગામ જતા રહ્યા હતા.
દરમિયાન તા.25 ઓક્ટોબરના સવારે પરિવારજનોને મુન્નાભાઈ ઉખરલા ગામથી માળનાથ રોડ પર અકસ્માતે ઇજાગ્રસ્ત હાલતમાં પડ્યા હોવાની જાણ થતાં પરિવારજનો ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યાં મુન્નાભાઈ રસ્તાની બાજુમાં લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યા હતા અને નજીક ઝાડી-ઝાંખરામાં તેમની મોટરસાયકલ પણ મળી આવી હતી. માથાના ભાગે ગંભીર ઈજા તેમજ શરીર પર છોલાણ સહિતના ઈજાના નિશાન જણાતા બનાવની જાણ વરતેજ પોલીસને કરવામાં આવી હતી.

