અમદાવાદ, ભાડજ, તા. 31.05.2026: પવિત્ર પુરુષોત્તમ માસના શુભ અવસરે ઇસ્કોન ભાડજ ખાતે શ્રી શ્રી રાધા માધવનો ભવ્ય આમ મનોરથ મહોત્સવ યોજાયો હતો. આ વિશેષ ઉત્સવમાં ભગવાન શ્રી શ્રી રાધા માધવને આશરે 1500 કિલોગ્રામ તાજી કેરીઓથી અતિ મનોહર રીતે અલંકૃત કરવામાં આવ્યા હતા. મંદિરના દર્શનમંડપમાં સર્જાયેલ આ દિવ્ય આમ મનોરથ ભક્તો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

પુરુષોત્તમ માસને ભગવાન શ્રીકૃષ્ણનો અતિ પ્રિય મહિનો માનવામાં આવે છે. આ માસ દરમિયાન ભગવાનની વિશેષ સેવા, ભક્તિ અને ઉપાસનાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ જ ભાવનાને કેન્દ્રસ્થાને રાખી ઇસ્કોન ભાડજ દ્વારા આ ભવ્ય મહોત્સવનું આયોજન કરાયું હતું.
ઉત્સવ દરમિયાન શ્રી શ્રી રાધા માધવને વૈદિક પરંપરા અનુસાર વિશેષ છપ્પન ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભાવપૂર્ણ મહા આરતી અને હજારો દીવડાઓથી શોભતા ભવ્ય દીપોત્સવનું આયોજન કરાયું. દીવાઓના ઝગમગતા પ્રકાશ વચ્ચે ભગવાનના દર્શનથી સમગ્ર મંદિર પરિસર આધ્યાત્મિક તેજ અને ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું.

આ પ્રસંગે ભક્તોએ ઉત્સાહપૂર્વક હરિનામ સંકીર્તન, ભજન-કીર્તન અને ભગવાનના યશોગાનમાં ભાગ લીધો હતો. શ્રી શ્રી રાધા માધવનો અલૌકિક શૃંગાર, સુશોભિત પુષ્પસજ્જા અને કેરીઓથી રચાયેલ વિશેષ મનોરથના દર્શન કરીને ભક્તો ભાવવિભોર બન્યા હતા.

