મગદલ્લા જંક્શન પાસે ચાની દુકાન ચલાવતા રોહિતસિંઘની હત્યાના કેસમાં કોર્ટે બે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં ખાસ વાત એ રહી હતી કે, અનેક મહત્વના સાક્ષીઓ પોતાની જુબાનીથી ફરી ગયા હોવા છતાં, વૈજ્ઞાનિક પુરાવાઓ અને ફોરેન્સિક રિપોર્ટના આધારે ન્યાય મળ્યો હતો. મરનારનું લોહી જે આરોપીઓના કપડાં અને હથિયાર પર મળી આવ્યું હતું, તે જ પુરાવો આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવા માટે નિર્ણાયક સાબિત થયો હતો.
80 હજારના દેવામાંથી મુક્તિ મેળવવા રચાયું હત્યાનું કાવતરું ઘટનાની વિગત મુજબ, આરોપી અજય સદામ ગઢાઈએ રોહિતસિંઘ પાસેથી 80 હજાર રૂપિયા ઉછીના લીધા હતા. રોહિતસિંઘ દ્વારા વારંવાર નાણાંની ઉઘરાણી કરવામાં આવતા, અજયે નાણાં પરત ન આપવા પડે તે માટે તેની હત્યાનો પ્લાન બનાવ્યો હતો.
16 સપ્ટેમ્બર 2021ના રોજ, જ્યારે રોહિતસિંઘ ગાઢ નિદ્રામાં હતા, ત્યારે અજયે તેના સાથીદાર કિશન ગુપ્તા સાથે મળીને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ફરિયાદી પક્ષના વકીલોની દલીલો અને લોહીના નમૂનાના મજબૂત પુરાવાને માન્ય રાખી કોર્ટે બંનેને સખત સજા કરી છે.
ડિંડોલીમાં પત્ની વિશેની અભદ્ર ટિપ્પણીએ લીધો મિત્રનો જીવ બીજી તરફ, સુરતના ડિંડોલી વિસ્તારમાં મિત્રતાના સંબંધોને કલંકિત કરતી એક ઘટના સામે આવી છે. માનસી રેસિડેન્સી પાસેના ખુલ્લા મેદાનમાં ત્રણ મિત્રો વચ્ચે બેસીને વાતચીત ચાલી રહી હતી, ત્યારે અચાનક ઉશ્કેરાટમાં આવી બે મિત્રોએ મળીને ત્રીજા મિત્ર ઉમાશંકરસિંઘ પાંડેની હત્યા કરી નાખી હતી. ઉમાશંકર પાંડેસરામાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા. મિત્રો સાથેની બેઠકમાં તેમણે એક મિત્રની પત્ની વિશે અભદ્ર ટિપ્પણી કરતા મામલો બિચક્યો હતો, જે અંતે લોહીયાળ સંઘર્ષમાં પરિણમ્યો હતો.

