Gujarat

મોરબીમાં ફૂડ વિભાગની કાર્યવાહી, 40 પેઢીઓમાં ચેકિંગ

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ શહેરમાં ખાણી-પીણીની 40 જેટલી પેઢીઓ પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહી નવલખી રોડ, મહેન્દ્રનગર રોડ અને અવની ચોકડી સહિતના વિસ્તારોમાં કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વાસી નૂડલ્સ, ચટણી, ગ્રેવી, પ્રતિબંધિત ફૂડ કલર અને એક્સપાયરી વિગતો વગરના ખાદ્ય પદાર્થો મળી આવ્યા હતા. આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. નવલખી રોડ પર આવેલા પશુપતિનાથ ચાઇનીઝમાંથી વાસી નૂડલ્સ, હાનિકારક ફૂડ કલર અને અત્યંત અસ્વચ્છ સ્થિતિ જોવા મળી હતી. ઉપરાંત, ફૂડ લાઇસન્સ ન હોવાથી આ પેઢીને ગ્રીન નોટિસ ફટકારવામાં આવી હતી.

રવાપર ચોકડી ખાતેના ગુરુજી ફાસ્ટફૂડમાંથી વાસી ચટણી, ગ્રેવી, વાસી નૂડલ્સ અને પ્રતિબંધિત ફૂડ કલરનો જથ્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરાયો હતો. સાઇઝ ઝીરો કેફેમાંથી એક્સપાયરી તારીખ વગરના પાઉં અને પિઝા બેઝ, જ્યારે ચેતના સ્વીટ્સ એન્ડ નમકીનમાંથી એક્સપાયરી વિગતો વગરના નમકીનના પેકેટ મળી આવતા ફૂડ વિભાગે તેનો પણ નાશ કર્યો હતો. ફૂડ વિભાગના જણાવ્યા અનુસાર, ફૂડ લાઇસન્સ વગર ધંધો ચલાવતા, અસ્વચ્છતા રાખતા અને ફૂડ સેફ્ટીના નિયમોનો ભંગ કરતા વેપારીઓને નોટિસ આપવામાં આવી છે. ભવિષ્યમાં આવી બેદરકારી જોવા મળશે તો દુકાનો સીલ કરવા સહિતની કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.