ગાંધીનગર જિલ્લાના કલોલ-સઇજ હાઇવે સર્વિસ રોડ પર એક હૃદયદ્રાવક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. કલોલના પિરામિડ હોટલ સામે એક અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારીને એક્ટિવાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં રોડ પર પટકાયેલા 21 વર્ષીય આશાસ્પદ યુવાન પરથી અજાણ્યા વાહનનું ટાયર ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. કલોલ તાલુકા પોલીસે ફરાર થઈ ગયેલા અજ્ઞાત વાહનચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પેટ્રોલ પંપ પર નોકરી કરતો હતો, સહકર્મચારીનું એક્ટિવા લઈને નીકળ્યો હતો પ્રાપ્ત વિગતો અનુસાર, કલોલના ત્રિકમનગર, રતીશ સોસાયટીની સામે આવેલા સલાટ વાસ ખાતે રહેતા લાલજીભાઈ ગમનભાઈ સલાટ છૂટક મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો 21 વર્ષીય અપરિણીત દીકરો જયેશ સલાટ કલોલથી સઇજ રોડ પર આવેલા જીઓ કંપનીના પેટ્રોલ પંપ પર નોકરી કરતો હતો.
ગઈકાલે 10 જૂનના રોજ બપોરના આશરે 01:30 વાગ્યાની આસપાસ જયેશ પોતાના ઘરેથી નોકરી પર જવા નીકળ્યો હતો. નોકરી પર પહોંચ્યા બાદ તે પેટ્રોલ પંપ પર જ કામ કરતા અન્ય એક કર્મચારીનું એક્ટિવા લઈને હાઈવે પર ચા લેવા માટે બહાર નીકળ્યો હતો.
પરત ફરતી વખતે કાળ આંબી ગયો, અકસ્માત સર્જી વાહનચાલક ફરાર ચા લઈને પરત ફરી રહેલા જયેશને પિરામિડ હોટેલ સામેના સર્વિસ રોડ પર જ કાળ આંબી ગયો હતો. પાછળથી ધસમસતા આવેલા એક અજાણ્યા વાહને તેના એક્ટિવાને અડફેટે લેતાં જયેશ હવામાં ઉછળીને રોડ પર પટકાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે જયેશ નીચે પડતાં જ તે વાહનનું વજનદાર ટાયર તેના શરીર અને માથાના ભાગેથી ફરી વળ્યું હતું. અકસ્માત સર્જીને આરોપી વાહનચાલક પોતાનું વાહન લઈને ત્યાંથી ઝડપભેર ભાગી છૂટ્યો હતો. અકસ્માતનો જોરદાર અવાજ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકોના ટોળેટોળાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.

