Gujarat

અદાણી બાદ ગુજરાત એનર્જીએ CNGના ભાવમાં ₹5નો વધારો ઝીંક્યો

ગુજરાતમાં અદાણી બાદ ગુજરાત એનર્જી (ગુજરાત ગેસ) દ્વારા CNG ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. CNG ગેસના ભાવમાં પ્રતિ કિલોએ 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એક જ દિવસમાં 5 રૂપિયાનો ભાવ વધારો લાગુ કરવામાં આવતા હવે ગુજરાત એનર્જી CNG ગેસના ભાવ પ્રતિ કિલોએ 88.76 રૂપિયાથી વધીને હવે 93.76 રૂપિયા પહોંચી જશે. નવા ભાવ વધારો રાત્રે 12 વાગ્યા બાદથી લાગુ થઈ જવાનો છે.

અગાઉ ગુજરાત એનર્જી ગેસ દ્વારા 18 ઓગસ્ટના રોજ ભાવમાં વધારો કર્યો હતો. તે સમયે 3.75 રૂપિયાનો CNG ના ભાવમાં વધારો કરવામાં આવતા 85.01થી વધીને CNG નો ભાવ 88.76 રૂપિયા થઈ ગયો હતો. એટલે કે અંદાજે ચાર મહિના બાદ ફરી CNG ના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

CNGના ભાવે પેટ્રોલ-ડીઝલની નજીક પહોંચ્યા દિવાળી બાદ મોંઘવારીના માર વચ્ચે CNGના ભાવમાં થયેલા વધારાથી વાહનચાલકોને વધુ એક આર્થિક ફટકો પડશે. CNGથી ચાલતી કાર, રિક્ષા અને ટેક્સીનો ઉપયોગ કરતા લોકોને હવે ગેસ ભરાવવા માટે અગાઉ કરતાં વધુ નાણાં ખર્ચવા પડશે.

જો કે થોડા સમય પહેલા અદાણી દ્વારા પણ CNG ના ભાવમાં વધારો કરવામાં આવતા રિક્ષા ચાલકોની અને CNG વાહન ચાલકોની દિવાળી બગાડી હતી. પરંતુ દિવાળી બાદ હવે ગુજરાત એનર્જી દ્વારા પણ CNG ના ભાવમાં વધારો કરતા વાહન ચાલકોને વધુ અસર થવાની છે. સતત CNG ના ભાવમાં વધારો થતા હવે પેટ્રોલ અને CNG ના ભાવ સમકક્ષ પહોંચી ગયા છે.

અદાણી ગેસે 13 દિવસમાં બે વાર ભાવ વધારતા 100ને પાર પહોંચ્યો અદાણી ગેસ દ્વારા 13 દિવસમાં CNGના ભાવમાં બે વાર વધારો કરવામાં આવ્યો હતો. 23 ઓક્ટોબરે પ્રતિ કિલો રૂ. 4.45 અને 5 નવેમ્બરે 2.03 રૂપિયાનો વધારો કરવામાં આવતા ભાવ 100 રૂપિયાને પાર પહોંચી રૂ. 100.77 થયો છે.