Gujarat

જૂનાગઢમાં લૂંટને અંજામ એ પહેલા 5 શખસ રાજકોટથી ઝડપાયા

પાંચ શખસો જૂનાગઢમાં લૂંટને અંજામ આપે તે પહેલા રાજકોટમાં પોલીસે ઝડપી પાડ્યા છે. શહેરના અમદાવાદ હાઈવે પર કુવાડવા પાસે બાતમીના આધારે SOGએ કારને અટકાવીને પિસ્તોલ, છરી, ધોકા, સ્ટીક કબજે કર્યાં. ઉત્તરપ્રદેશ અને બિહારની આ ગેંગ દ્વારા મોટી ધાડના પ્લાનિંગની કબુલાત આપી છે ત્યારે આ ગેંગ સાથે સંકળાયેલા વધુ એક શખસને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

XUV 500 કારમાંથી 5 શખસ ઝડપાયા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના DCP જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર S.O.G.પોલીસે બાતમીના આધારે રાજકોટ-અમદાવાદ હાઈવે પર વોચ ગોઠવી હતી. જે દરમિયાન કુવાડવા ગામ પાસે વાંકાનેર ચોકડી નજીક બ્રિજ પાસેથી એક શંકાસ્પદ XUV 500 કાર (નંબર MH-06-BE- 3165) અટકાવીને તેમાં સવાર પાંચ શખસને ઝડપી પાડ્યા છે.

તેમની પાસેથી ઘાતક હથિયારો મળી આવ્યા હતા. જેઓ જૂનાગઢમાં કોઈ મોટી આસામી કે આંગડિયા પેઢીમાં લૂંટ કે ધાડ પાડવાના ઈરાદાથી આવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. દિવાળી પૂર્વે પોલીસે આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી છે.