વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ દેશનાં ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે હાકલ કરી છે રાસાયણિક ખાતરનાં વિકલ્પ તરીકે જૈવિક ખાતર અપનાવી દેશને આર્ત્મનિભર બનાવવા અપીલ કરી છે.
સંવેદનશીલ વ્યક્તિનાં જીવનમાં બનેલી કોઇ ઘટના તેના આખાય જીવનને બદલી નાંખે છે અને બીજાને માટે પથદર્શક બને છે. સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં સરસ ગામનાં ખેડૂત કલ્પેશ પટેલનાં જીવનમાં કંઇક આવુ જ બન્યું છે.
કલ્પેશ પટેલ સુરત ખાતે આવેલી ફેક્ટરીમાં કેમિકલ ઓપરેટર તરીકે નોકરી કરે છે. તેમના પિતા રમણભાઇ પટેલનું કેન્સરમાં અવસાન થયા પછી કલ્પેશ પટેલનાં જીવનમાં એક વળાંક આવ્યો. પિતાનું કેન્સરમાં મૃત્યુ થતા તેમણે જીવનમાં ગાંઠ વાળી હતી કે, હવે પછી ક્યારેય ખેતરમાં કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ નહીં કરે. ઝેરી જંતુનાશકોને તિલાંજલિ આપી કલ્પેશ પટેલે પ્રાકૃતિક ખેતી અપનાવી.
સ્વભાવે પ્રકૃતિપ્રેમી એવા કલ્પેશ પટેલ વર્ષ ૨૦૧૯થી પ્રાકૃતિક ખેતી અપનાવી. ગુજરાત સરકારનાં ખેતીવાડી વિભાગ દ્વારા આપવામાં આવતી પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી. પ્રાકૃતિક ખેતી માટે જીવામૃત બનાવતા શીખ્યા અને તેમણે એક નવી શરૂઆત કરી.
કેળની વિવિધ જાતોની ખેતી અને ઉત્પાદનમાં દેશમાં રોલ મોડેલ બન્યા
કલ્પેશ પટેલને વારસામાં આઠેક વીધા જમીન મળી છે. સાડા ત્રણ વીઘા જમીનમાં તેમણે કેળની ૫૦થી વધુની જાતની કેળ વાવી છે. જેમાં પુવન, આધાપુરી, રસ થલી, લાલ કેળ, બ્લુ જાવા, બસરાઈ, મહાલક્ષ્મી અને એલચી કેળા વગેરેનો સમાવેશ થાય છે.
કેળાની વિવિધ જાતોની સાથે સાથે તેમણે ઉત્પાદનમાં પણ રેકોર્ડ સર્જ્યો છે. વર્ષ-૨૦૨૫માં તેમના ખેતરમાં એક કેળની લૂમનું વજન ૭૩ કિલો હતું. સામાન્ય રીતે કેળની એક લૂમનું વજન ૨૦ થી ૩૦ કિલો જેટલુ હોય છે. પણ કલ્પેશ પટેલની વાડીમાં કેળ પર સરેરાશ એક લૂમનું વજન ૩૦ કિલોથી વધુ હોય છે.
જીવનનો વળાંક અને નવા પ્રયોગો
કલ્પેશ પટેલે પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું કારણ આપતા કહે છે કે, મારા પિતાજીને જ્યારે કેન્સર થયું ત્યારથી જ મને હતું કે, હવે કેમિકલ ફર્ટિલાઇઝરનાં ઝેરમાંથી આપણે મુક્ત થવું પડશે અને ધરતી માતાને પણ આ ઝેરમાંથી મુક્ત કરવી પડશે. પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે. પિતાજી ખેતી કરતા ત્યારે ખેતરમાં ખૂબ જંતુનાશક દવાઓ નાંખતા અને તેમના આખા શરીરમાંથી એ દવાની દુર્ગંધ આવતી. પણ હું ખેતી કરતો નહીં એટલે તેમને કશુ કહેતો નહીં પણ તેમને કેન્સર થયું અને. જીવનદીપ બુઝાયો અને મારા જીવનમાં એક નવો વળાંક આવ્યો,’’.
“છેલ્લા સાત વર્ષથી હું પ્રાકૃતિક ખેતી કરું છું. જંગલ મોડેલ પણ અપનાવ્યું છે. ખેત પેદાશમાં વેલ્યુ એડિશન કરું છું. અને ‘મારો માલ અને મારો ભાવ’ એ સિદ્ધાંતથી ખેતી કરુ છું અને વેચાણ કરું છું. પ્રાકૃતિક ખેતીને કારણે એક વીઘે ૧૫ થી ૨૦ હજાર રૂપિયાનો કેમિકલ ફર્ટિલાઇઝર અને જંતુનાશક દવાઓનો ખર્ચ બંધ થઇ ગયો. વળી, જમીન સુધરતા કેળાનું પુષ્કળ ઉત્પાદન વધવા લાગ્યું, દર વર્ષે સાડા ત્રણ વીઘાનાં ખેતરમાં કેળની ખેતીથી ૧૦ થી ૧૨ લાખ રૂપિયાની આવક થાય છે,’’ કલ્પેશ પટેલે પ્રાકૃતિક ખેતીનાં ફાયદા ગણાવતા કહ્યૂં.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશનાં ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે હાકલ કરી છે અને દેશને રાસાયણિક ખાતરનાં વિકલ્પ તરીકે જૈવિક ખાતર અપનાવવા ખેડૂતોને અપીલ કરી છે.
રાજ્યનાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં રાજ્યમાં પ્રાકૃતિક ખેતી વેગવંતી બની છે. ખેડૂતો કેમિકલ ફર્ટિલાઇઝર અને જંતુનાશક દવાઓને તિલાંજલિ આપી, પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે ખેડૂતોને વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય આપવામાં આવે છે. રાજ્યનાં માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત પણ ગામડે-ગામડે ફરી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વાળવા અથાક પ્રયાસો કરે છે.

