Gujarat

સિગારેટ-સીંગ ભજીયા ઉધાર ન મળતા અમદાવાદીની ધમાલ

અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા એક પાન પાર્લરમાં માત્ર ૪૦ રૂપિયાના સિગરેટ-સીંગ ભજીયા ન મળતા એક નબીરાએ પાન પાર્લર પર ધમાલ મચાવી. દુકાનદારે માલ-સામાન ઉધાર ન આપ્યાની અદાવત રાખીને પાન પાર્લરમાં તોડફોડ કરી. દુકાનના કાઉન્ટરથી લઈને સામાન પર લાકડીના ઘા ઝીકી સામાનને નુકશાન પહોંચાડ્યું. ફક્ત એટલુ જ નહીં દુકાનદારના દીકરાએ તોડફોડ કરતા રોકતા તેને પણ માથામાં લાકડી મારીને પોતાનો રોષ ઠાલવ્યો. નબીરાની આ તમામ હરકતો દુકાનના ઝ્રઝ્ર્ફમાં રેકોર્ડ થઈ ગઈ હતી. શહેરના ન્યુ રાણીપમાં રહેતા દિનેશભાઈ માળી સોસાયટીના પાછળના ભાગે પાન પાર્લર ચલાવે છે.

૧૬ જાન્યુઆરીએ તે પાન પાર્લર પર હાજર હતા, તે દરમિયાન બે શખસો બાઈક પર આવ્યા હતા. જેમાંથી અભિષેક નામના વ્યક્તિએ સિગરેટ અને સીંગ ભજીયા લીધા હતા, જેના ૪૦ રૂપિયા થયા હતા.અભિષેકે દુકાનદારને માલ-સામાનના પૈસા ઉધાર ખાતામાં લખી લેવાનું કહ્યું. જાેકે, દુકાનદારે ઉધાર આપવાની ના પાડતા અભિષેક રોષે ભરાયો પરંતુ, તેની સાથે આવેલા બલવિન્દરે માલ-સામાનના ૪૦ રુપિયા ચૂકવ્યા. બંનેએ દિનેશભાઈને ગંદી ગાળો આપી અને ગલ્લો તોડવાની ધમકી આપીને ત્યાંથી નીકળી ગયા હતા. થોડા સમય બાદ દુકાનદાર દિનેશનો દીકરો ધીરજ ઘરેથી તેના પિતા માટે જમવાનું લઈને આવ્યો હતો.

દિનેશભાઈ દીકરાને દુકાને બેસાડી બાજુની દુકાનમાં જમવા માટે ગયા હતા. આ દરમિયાન બલવીંદર અને અભિષેક બંને બાઈક પર પાછા પાન પાર્લર પર પરત આવ્યા હતા અને લાકડી લઈને દુકાનમાં તોડફોડ શરુ કરી હતી. બંને જણાએ પાન પાર્લરના કાઉન્ટર ઉપર લાકડીઓ મારી કાઉન્ટર તોડી નાખ્યું હતું.કાચની બોટલ ઉપર લાકડી મારી કેરેટ પણ તોડી નાખ્યા હતા. પાન પાર્લરમાં રાખેલું ટીવી તોડવા જતા હતા ત્યારે દુકાનદારના દીકરા ધીરજે ટીવી તોડવાની ના પાડતા તેને માથામાં લાકડીનો એક ફટકો મારી દીધો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તોડફોડ અને મારામારી બાદ બંને ત્યાંથી રવાના થઈ ગયા હતા. ધીરજને માથામાં ઇજા થતાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સાબરમતી પોલીસે આ અંગે બંને શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.