સુરત શહેરમાં ઓનલાઇન ખરીદી કરતી જાણીતી કંપની એમેઝોન સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરનાર એક મોટા રેકેટનો પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો, એમેઝોન કંપનીના પાર્સલ પીક-અપનું કામ કરતા મુખ્ય ઇસમે ગ્રાહકો સાથે ઠગાઈ કરવાનું પ્લાનિંગ રચ્યું હતું.
ચોરી કરેલો સામાન પોતાના જ મિત્રને વેચી દેતો આ સમગ્ર કૌભાંડમાં એમેઝોન કંપનીમાંથી પાર્સલ પીક-અપનું કામ કરતા નરેશભાઈ વિજયભાઈ બાવિષ્કર નામના શખ્સે કંપનીના અસલ સામાનની હેરાફેરી કરી હતી. તે અસલ પાર્સલમાંથી મૂળ કપડાં કાઢી લઈને તેની જગ્યાએ વેસ્ટેજ અને નકામા કપડાં ભરી દેતો હતો અને તે પાર્સલ ગ્રાહકોને ડિલિવરી માટે મોકલી આપતો હતો. આ રીતે ચોરી કરેલો અસલ અને કિંમતી સામાન તે પોતાના જ મિત્ર રવિ સંતોષ જૈસ્વાલને વેચી દેતો હતો, જે એમેઝોન કંપનીમાં જ ટેમ્પો ચલાવવાનું કામ કરતો હતો.
બુધવારી બજારમાં કોઈપણ જાતના આધાર-પૂરાવા વગર ખુલ્લેઆમ વેચાણ આ ગુનામાં સહઆરોપી બનેલા રવિ અને તેની પત્ની કાવ્યા ભેગા મળીને આ ચોરીનો માલ વેસુ વિસ્તારમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિર પાસે ભરાતી બુધવારી બજારમાં કોઈપણ જાતના આધાર-પૂરાવા વગર ખુલ્લેઆમ વેચાણ કરતા હતા. પોલીસને આ મામલે બાતમી મળતાની સાથે જ ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને ઊંડાણપૂર્વક તપાસ કરીને આ આખી મોડસ ઓપરેન્ડી પકડી પાડી હતી.

