વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરની જાહેર જનતાના આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશ્નરની સૂચના અને ડેઝિગ્નેટેડ ઓફિસર તથા અધિક આરોગ્ય અમલદારના માર્ગદર્શન હેઠળ, ખોરાક શાખાના સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસરો અને ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન વિવિધ નમૂના લેવામાં આવ્યા હતા જે પૈકી 19 નમૂના નાપાસ જાહેર થયા છે.
મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી આ તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અન્વયે વિવિધ વિસ્તારોમાંથી ખાદ્ય પદાર્થોના શંકાસ્પદ નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યા હતા. આ તમામ નમૂનાઓની ગુણવત્તા તપાસવા અને વિસ્તૃત પૃથ્થકરણ કરવા અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.
પબ્લિક હેલ્થ લેબોરેટરી દ્વારા રજૂ કરવામાં આવેલા પૃથ્થકરણ રિપોર્ટના આધારે, એકત્ર કરાયેલા શંકાસ્પદ નમૂનાઓમાંથી કુલ-19 ખાદ્ય પદાર્થોના નમૂના સબ-સ્ટાન્ડર્ડ એટલે કે નાપાસ જાહેર કરવામાં આવ્યા છે. ભેળસેળ કે અયોગ્ય ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થો વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા આ તમામ સંબંધિત ફૂડ બિઝનેસ ઓપરેટરો સામે મહાનગરપાલિકા દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નાગરિકોને શુદ્ધ ખોરાક મળે એવા પ્રયાસ શહેરના નાગરિકોને શુદ્ધ અને સુરક્ષિત આહાર મળી રહે તે માટે તંત્ર દ્વારા આવી ઝુંબેશ આગામી સમયમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા તહેવારો પહેલા વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને વિવિધ સ્થળોએથી નમુનાઓ લેવામાં આવ્યા હતા જેના પૃથક્કરણ બાદ જે નમૂનાઓ નાપાસ થયા છે તેઓ સામે કડક રહે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

