હારીજમા બસ અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો , સદનસીબે જાનહાનિ ટળી
અંજાર–પાટણ રૂટની બસે પાછળથી ટક્કર મારતા સર્જાયો અકસ્માત, ડ્રાઈવરની બેદરકારી અંગે ઉઠ્યા સવાલો
હારીજ તાલુકામાં હારીજ આઈટીઆઈ નજીક અંજાર–પાટણ રૂટ પર દોડતી એક બસ અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાતા વિસ્તારમાં થોડીવાર માટે ચકચાર મચી જવા પામી હતી. પ્રાથમિક માહિતી અનુસાર બસે પાછળથી સ્વિફ્ટ કારને ટક્કર મારતા આ અકસ્માત બન્યો હતો. અકસ્માત બાદ સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા.
મળતી માહિતી મુજબ અકસ્માત સમયે બસમાં ડ્રાઈવર, કંડકટર સહિત અંદાજે 9 જેટલા મુસાફરો સવાર હતા. અકસ્માતનો ઝટકો ભારે હોવા છતાં સદનસીબે કોઈ જાનહાનિ કે ગંભીર ઇજાની ઘટના નોંધાઈ નથી. જોકે, સ્વિફ્ટ કારને અકસ્માતમાં નોંધપાત્ર નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.
સ્થાનિક લોકોના કહેવા મુજબ બસ ડ્રાઈવરે જરૂરી સાવચેતી રાખ્યા વગર અને પૂરતું અંતર જાળવ્યા વગર વાહન હંકારી રહ્યા હોવાથી અકસ્માત સર્જાયો હોવાની ચર્ચા ચાલી રહી છે. ઘટનાને પગલે બસ ડ્રાઈવરની બેદરકારી અને ગફલત અંગે અનેક સવાલો ઊભા થયા છે. જાહેર માર્ગ પર બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના બનાવો વારંવાર સામે આવતા હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કડક પગલાં ન ભરાતા લોકોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે.અકસ્માત બાદ સ્થાનિકોએ તરત જ દોડી જઈ પરિસ્થિતિ સંભાળી હતી અને મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં મદદરૂપ બન્યા હતા. સદનસીબે કોઈ મોટી દુર્ઘટના ટળી જતા મુસાફરો અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ આ બનાવે ફરી એકવાર માર્ગ સલામતી અને જાહેર પરિવહનના વાહનો ચલાવતા ડ્રાઈવરોની જવાબદારી અંગે ગંભીર ચર્ચા જગાવી છે.
હારીજ આઈટીઆઈ નજીકનો માર્ગ સામાન્ય રીતે વ્યસ્ત રહેતો હોવાથી અહીં વાહન વ્યવહારમાં વધુ સાવચેતીની જરૂરિયાત હોવા છતાં કેટલીકવાર બેદરકારીપૂર્વક વાહન હંકારાતા અકસ્માતો સર્જાતા રહે છે. આવી ઘટનાઓને રોકવા માટે માર્ગ સુરક્ષા નિયમોનું કડક પાલન અને ડ્રાઈવરો પર નિયંત્રણ જરૂરી હોવાનું લોકો માની રહ્યા છે.સમગ્ર ઘટનાને લઈને વધુ વિગતો મેળવવા તેમજ અકસ્માતની હકીકત બહાર લાવવા સંબંધિત સ્તરે તપાસ હાથ ધરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ તો સદનસીબે મોટી જાનહાનિ ટળી જતાં એક મોટી દુર્ઘટના અટકેલી ગણાઈ રહી છે, પરંતુ આ બનાવે મુસાફરોની સલામતી અને માર્ગ વ્યવસ્થાની સ્થિતિ અંગે ફરી એકવાર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે.
રિપોર્ટ : અનિલ રામાનુજ, રાધનપુર (પાટણ)





