સુરતના સચિન વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટનામાં એક વૃદ્ધનું મોત થયું છે. રસ્તો ક્રોસ કરી રહેલા વૃદ્ધને અજાણ્યા ટુ-વ્હીલર ચાલકે ટક્કર મારી ફરાર થઈ ગયો હતો.
આ ઘટનામાં ફરિયાદી અરુણકુમાર રાજેશ સિંહના પિતા વાંઝગામ સ્કૂલ પાસે રસ્તો ઓળંગી રહ્યા હતા. તે સમયે પૂરપાટ ઝડપે અને બેદરકારીપૂર્વક આવેલા ટુ-વ્હીલર ચાલકે તેમને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં વૃદ્ધને ડાબા પગે ફ્રેક્ચર સહિત શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઈજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક સચિનની સમર્પણ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ હતી. જોકે, વધુ સારવાર માટે તેમને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું આ ઘટના અંગે મૃતકના પુત્ર અરુણકુમાર રાજેશ સિંહે સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઘટનાની જાણ થતા હોજીવાલા ચોકીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.કે. સોલંકી ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી છે.

