Gujarat

ખેડા-નડિયાદ અને રાજકોટમાં સુપરન્યુમરરી એડિશનલ કલેક્ટરની નિમણૂક

ગુજરાત સરકાર દ્વારા IAS કેડરમાં બે નવા અધિકારીઓની મહત્વપૂર્ણ નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના કર્મચારી અને તાલીમ વિભાગની સૂચના બાદ રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે આ અંગે અધિકૃત જાહેરનામું બહાર પાડ્યું છે.

જાહેરનામા મુજબ, અવની ચિત્તરાંજન વોરાને ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ ટ્રિબ્યુનલ, અમદાવાદના સભ્ય તથા રજિસ્ટ્રાર તરીકેની જવાબદારીમાંથી પ્રમોશન આપી ખેડા-નડિયાદ ખાતે નવી રીતે સર્જાયેલ સુપરન્યુમરરી એડિશનલ કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે જ રીતે, ટેકચંદ છત્રભુજ તિર્થાણી, કૃષિ અને ગ્રામિણ વિકાસ બેંક, રાજકોટમાં જાેઇન્ટ રજિસ્ટ્રાર (ઓડિટ) તરીકે ફરજ બજાવતા હતા, તેમને રાજકોટ ખાતે સુપરન્યુમરરી એડિશનલ કલેક્ટર તરીકે નિમણૂક આપવામાં આવી છે.

રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, બંને અધિકારીઓની નિમણૂકથી જિલ્લાકક્ષાના વહીવટમાં વધુ ગતિ, પારદર્શિતા અને કાર્યક્ષમતા આવશે. આ નિમણૂકો ૧૩ જાન્યુઆરી, ૨૦૨૬થી અમલમાં આવશે.