Gujarat

સમીના મુબારકપુરા ગામે જહુ માતાજીના ભુવાજીનો હાથી પર ભવ્ય વરઘોડો- 700થી વધુ કુવાસીઓને લાણી વિતરણ અને ભક્તો દ્વારા ભુવાજીને ફોરવ્હીલ ગાડી અર્પણ..

સમીના મુબારકપુરા ગામે જહુ માતાજીના ભુવાજીનો હાથી પર ભવ્ય વરઘોડો- 700થી વધુ કુવાસીઓને લાણી વિતરણ અને ભક્તો દ્વારા ભુવાજીને ફોરવ્હીલ ગાડી અર્પણ..

મુબારકપુરા ગામે જહુમાના આશીર્વાદે ભક્તિનો મહાસાગર..

700થી વધુ કુવાસીઓ બહેનોને લાણીનું વિતરણ કરાયું , હનુમાનદાદાના હવન અને જહુ માતાજીના રમેલથી ગામ ભક્તિમય બન્યું…

પાટણ / સમી
પાટણ જિલ્લાના સમી તાલુકાના મુબારકપુરા ગામે આજરોજ રામનવમીના પાવન દિવસે અનોખો અને અદભૂત ભક્તિભાવનો માહોલ સર્જાયો હતો. ગામમાં જહુ માતાજીના સાનિધ્યમાં આયોજિત ધાર્મિક પ્રસંગે ગામજનોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો.
મળતી માહિતી મુજબ, જહુ માતાજીના ભુવાજી હમીરભાઈ પંચાલ તેમજ હાલના સરપંચ નાડોદા ભરતભાઈ ગગજીભાઈએ માતાજી સમક્ષ એક માનતા રાખી હતી કે, “માતાજી કૃપા કરીને અમારી મનોકામના પૂર્ણ કરશે તો ભુવાજીને હાથી પર બેસાડી ગામમાં ભવ્ય વરઘોડો કાઢીશ અને વિશેષ સ્વાગત કરીશ.”
કહેવાય છે કે માતાજીની કૃપાથી તેમની ઈચ્છા પૂર્ણ થતા આજે આ માનતા ધામધૂમપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. આ અવસરે જહુ માતાજીના ભુવાજી હમીરભાઈ પંચાલને હાથી પર બિરાજમાન કરી સમગ્ર ગામમાં ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો. વરઘોડા દરમિયાન ઢોલ-નગારા, ડીજેના તાલ, જયઘોષ અને ભક્તોના ઉમંગભર્યા નૃત્યથી આખું ગામ ભક્તિરસમાં તરબોળ બની ગયું હતું.ગામની ગલીઓમાં વિશાળ સંખ્યામાં ગ્રામજનો, મહિલાઓ, યુવાનો અને બાળકો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર પ્રસંગે શોભાયાત્રા જેવો ભવ્ય માહોલ સર્જાયો હતો.
આજના પ્રસંગે ખાસ કરીને મોટી સંખ્યામાં મહિલાઓની ઉપસ્થિતિએ આ ધાર્મિક પ્રસંગને વધુ ભાવસભર બનાવી દીધો હતો.આ પ્રસંગને વધુ યાદગાર બનાવવા માટે મુબારકપુરા ગામની 700 થી વધુ કુવાસીઓ (છોકરીઓ/બહેનો)ને લાણીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યને ગામજનો દ્વારા ખૂબ જ સરાહનીય ગણાવવામાં આવ્યું હતું.

તે ઉપરાંત, ગામના તળાવની પારે બિરાજમાન હનુમાનજી દાદાના હવન-યજ્ઞનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ જહુ માતાજીના રમેલનો કાર્યક્રમ પણ યોજાયો હતો, જેને લઈને ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. ગામમાં માતાજીના સાનિધ્યમાં ભવ્ય તાલમેલ સાથે હોમ હવન, રમેલ અને દેવ દૂધાળ જેવા ધાર્મિક કાર્યક્રમોની શ્રેણીથી સમગ્ર ગામમાં આધ્યાત્મિક ઉર્જા છવાઈ ગઈ હતી.
આ ભક્તિમય પ્રસંગ દરમિયાન ભક્તો દ્વારા જહુ માતાજીના ભુવાજીને એક ફોરવ્હીલ ગાડી પણ અર્પણ કરવામાં આવી હતી, જે સમગ્ર કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બની હતી.ગાડીના સહયોગીઓ અને દાતાશ્રીમાં ચૌધરી વીરાભાઇ દેવશીભાઇ (મુબારકપુરા), ચૌધરી રાજુભાઈ લક્ષ્મણભાઈ (એકલવા), ચૌધરી માનસીભાઈ લક્ષ્મણભાઈ (ધધાણા), ચૌધરી કાંતિભાઈ વિસાભાઇ (કુંભાણા) જહુ માતાજીનાં ભુવાજીને ગાડી અર્પણ કરી છે. જે ભક્તો અને શ્રધ્ધાળૂઓનો ભાવ અને શ્રદ્ધાનું જીવંત પ્રતિબિંબ છે.
આ રીતે આજે મુબારકપુરા ગામમાં માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં, પરંતુ શ્રદ્ધા, વિશ્વાસ, એકતા અને સેવા ભાવનાનો અદભૂત મેળાવડો જોવા મળ્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન ગામમાં “જય જહુ માતાજી”ના નાદ સાથે ભક્તિમય અને ઉત્સવી વાતાવરણ છવાયેલું રહ્યું હતું.

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ

IMG-20260326-WA0037-4.jpg IMG-20260326-WA0040-3.jpg IMG-20260326-WA0043-2.jpg IMG-20260326-WA0049-1.jpg IMG-20260326-WA0046-0.jpg