સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં દિવાળી અને ચંડી પડવોની પૂર્વસંધ્યાએ યોજાયેલી નાસ્તા પાર્ટી હાલ ‘ભજીયા કાંડ’ તરીકે શહેરમાં ભારે વિવાદનું કેન્દ્ર બની છે. સામાન્ય સભામાં માત્ર ભજીયા પાછળ જ પ્રજાની તિજોરીમાંથી ₹1 લાખથી વધુનો તોતિંગ ખર્ચ કરાતાં વિપક્ષ કોંગ્રેસે શાસક ભાજપ સામે પ્રજાના પરસેવાની કમાણી લૂંટવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.
બીજી તરફ, આ સમગ્ર વિવાદમાં ખુલાસો કરતાં સુરતના મેયર માયાબેન માવાણીએ જણાવ્યું હતું કે, લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સસ્તું નહીં પણ ગુણવત્તાયુક્ત ભોજન પીરસવામાં આવ્યું છે અને સારું ખવડાવવું એ કોઈ ગુનો નથી. આ મામલે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસ્લમ સાયકલવાલાએ જણાવ્યું કે, ભાજપના શાસકોએ સભાના નામે પરંપરા તોડીને ટેક્સના નાણાંનું આંધણ કર્યું.
બજારમાં ₹350ના મળતા ભજીયા પાલિકાએ ₹750માં ખરીદ્યા સામાન્ય બજારમાં ઉત્તમ ગુણવત્તાના ભજીયા ₹350 થી 500 પ્રતિ કિલોના ભાવે સરળતાથી ઉપલબ્ધ હોય છે, પરંતુ સુરત મનપાના સત્તાધીશો દ્વારા આ નાસ્તો ₹750 પ્રતિ કિલોના ભાવે મંગાવવામાં આવ્યો હતો.
જથ્થાબંધ ઓર્ડર હોવા છતાં માંડ ₹50 નું ડિસ્કાઉન્ટ મેળવીને કુલ 131 કિલોથી વધુ ભજીયા ખરીદવામાં આવ્યા હતા, જેથી માત્ર ભજીયાનું બિલ જ ₹1 લાખને પાર પહોંચી ગયું હતું. આશ્ચર્યની વાત એ છે કે સુરતીઓની આગવી ઓળખ ગણાતી અસલ ઘારી પાછળ આશરે ₹20 હજારનો ખર્ચ થયો હતો, જ્યારે માત્ર તળેલા ભજીયાનું બિલ ઘારી કરતાં પાંચ ગણું વધુ ચૂકવાતાં પાલિકાની નાણાકીય નીતિરીતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

