વેરાવળ ખાતે ભીડિયા સંયુક્ત કોળી સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધોરણ-1થી લઈને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના 300થી વધુ વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા. છેલ્લા બે દાયકાથી સતત યોજાતા આ કાર્યક્રમે સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
આ પ્રસંગે ફિશરીઝ કોલેજના પ્રોફેસર ડૉ. જીતેશ સોલંકીએ જણાવ્યું હતું કે, ભીડિયા સંયુક્ત કોળી સમાજ છેલ્લા 20 વર્ષથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાની આ પરંપરા જાળવી રાખી છે. દર વર્ષે 300થી વધુ વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી તેમનું મનોબળ વધારવામાં આવે છે, જેના પરિણામે સમાજમાં શિક્ષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સાગરખેડુ સમુદાયના ભીડિયા કોળી સમાજના યુવાનો હવે માત્ર પરંપરાગત માછીમારી વ્યવસાય પૂરતા સીમિત નથી. તેઓ સરકારી નોકરીઓ, ઉચ્ચ અધિકારી પદો, શિક્ષણ, ટેકનિકલ અને અન્ય વ્યાવસાયિક ક્ષેત્રોમાં પણ સફળતાપૂર્વક પોતાની ઓળખ બનાવી રહ્યા છે. આ પરિવર્તન સમાજના આગેવાનો દ્વારા વર્ષોથી કરવામાં આવેલા શિક્ષણ જાગૃતિના પ્રયાસોનું પરિણામ છે.

ડૉ. સોલંકીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, શિક્ષિત સમાજ જ રાષ્ટ્રના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપી શકે છે. તેથી, દરેક પરિવારે પોતાના સંતાનોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અપાવવા સાથે તેમની પ્રતિભાને પ્રોત્સાહન આપવું જોઈએ. આવા વિદ્યાર્થી સન્માન કાર્યક્રમો બાળકોમાં આત્મવિશ્વાસ વધારવાની સાથે વધુ સારું પરિણામ લાવવાની પ્રેરણા પણ આપે છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના પટેલ-પંચ, આગેવાનો તથા વિદ્યાર્થી સન્માન સમિતિના સભ્યોએ સક્રિય ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમમાં વિવિધ સમાજોના આગેવાનો, રાજકીય પદાધિકારીઓ, સરકારી અધિકારીઓ, શિક્ષણવિદો અને મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

