Gujarat

જામનગરમાં નેપાળી હોટલ બોયની શંકાસ્પદ હાલતમાં લાશ મળી

જામનગરમાં હિમાલય સોસાયટી વિસ્તારમાંથી એક નેપાળી હોટલ બોયનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં અને શંકાસ્પદ રીતે મળી આવ્યો છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આ મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

મૃતક યુવકની ઓળખ 32 વર્ષીય રાજન કેસી નેપાળી તરીકે થઈ છે, જે ખોડિયાર કોલોની નજીક હિમાલય સોસાયટી શેરી નંબર-3માં રહેતો હતો અને એક હોટલમાં કામ કરતો હતો. તેનો મૃતદેહ મકાનની અગાસી પર લોખંડના એન્ગલ સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતો મળી આવ્યો હતો મોડી સાંજે આ મૃતદેહ મળી આવતાં જામનગરનો સિટી સી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. શહેર વિભાગના DYSP જે. એન. ઝાલાએ પણ સ્થળની મુલાકાત લઈ બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.

પોલીસે નેપાળી યુવકના મૃતદેહને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને તેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આસપાસના રહેવાસીઓ તેમજ હોટલમાં કામ કરતા અન્ય વ્યક્તિઓના નિવેદનો નોંધવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.