Gujarat

તાતીથૈયામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: ત્રણ આરોપીઓ ઝડપાયા

કડોદરા GIDC પોલીસે તાતીથૈયા ગામની અનંતમ ફેબ્રિક કંપનીમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી લીધો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી રોકડ, બે મોબાઇલ ફોન અને એક મોટરસાઇકલ સહિત કુલ રૂ.1.80 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.

કડોદરા GIDC પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ASI સુરેશભાઈ અને અ.હે.કો. મહીપાલદાનને ચોક્કસ બાતમી મળી. બાતમી હતી કે, ચોરી કરનાર ત્રણ ઈસમો મોટરસાઇકલ પર કડોદરા ગામ તરફ આવવાના છે. આ આધારે, પોલીસે કડોદરાના હનુમાનજી મંદિર પાસે વોચ ગોઠવી ત્રણેય શંકાસ્પદ ઈસમોને ઝડપી પાડ્યા.

ઝડપાયેલા આરોપીઓમાં અભિષેક પ્રદીપ શર્મા, રામચંદ્ર કલ્લુ જગાવ સોનકર અને રીક્કી ઉર્ફે યશનો સમાવેશ થાય છે. તેમની પાસેથી રોકડ રકમ, બે મોબાઇલ ફોન અને એક મોટરસાઇકલ મળી કુલ રૂ.1.80 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. પોલીસે ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી અભિષેક શર્મા વિરુદ્ધ અગાઉ પણ ગુનો નોંધાયેલો છે.