ગોધરાના શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે ₹5 લાખની ચલણી નોટોથી હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સહજાનંદ સોસાયટી સ્થિત આ મંદિરમાં ભગવાન શ્રી હરિને વિવિધ મૂલ્યની અસલી ચલણી નોટોથી શણગારેલા કલાત્મક હિંડોળામાં બિરાજમાન કરાયા હતા.

આ વિશેષ હિંડોળાને તૈયાર કરવા માટે કુલ ₹5 લાખની ચલણી નોટોનો ઉપયોગ થયો છે. મંદિરના યુવા ભક્તોએ વિવિધ નોટોને કલાત્મક રીતે ગોઠવીને આ આકર્ષક હિંડોળો બનાવ્યો છે. મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, હિંડોળામાં ઉપયોગમાં લેવાયેલી આ નોટો દાન સ્વરૂપે પ્રાપ્ત થઈ છે. ભવિષ્યમાં તેનો ઉપયોગ વિવિધ ધાર્મિક અને સામાજિક સેવાકીય કાર્યોમાં કરવામાં આવશે.

શ્રાવણ માસ દરમિયાન મંદિરમાં દરરોજ અલગ-અલગ થીમ આધારિત હિંડોળા તૈયાર કરવામાં આવે છે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. દરરોજ સાંજે 7:30 વાગ્યાથી સંધ્યા આરતી બાદ વિશેષ ઝાંખી સાથે હિંડોળા દર્શન યોજાય છે. આ હિંડોળાના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ ભક્તોને આ દર્શનનો લાભ લેવા માટે આમંત્રણ અપાયું છે.

