Gujarat

સાળંગપુરમાં કષ્ટભંજનદેવને શ્રાવણ માસમાં ડ્રાયફ્રૂટ શણગાર

સાળંગપુરધામ સ્થિત સુપ્રસિદ્ધ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં શ્રાવણ માસ મહોત્સવ અંતર્ગત દિવ્ય ડ્રાયફ્રૂટનો શણગાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દાદાને ડ્રાયફ્રૂટનો અન્નકૂટ પણ ધરાવાયો હતો, જેના દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો. આયોજન શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત છે અને સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી થયું હતું.

શ્રીકષ્ટભંજનદેવને બદામ, કાજુ, એલચી સહિતના વિવિધ સુકા મેવાનો મનોહર અને કલાત્મક શણગાર કરવામાં આવ્યો હતો. સિંહાસન પર ડ્રાયફ્રૂટ દ્વારા “જય શ્રી રામ”નું સુંદર લખાણ, કલાત્મક હાથીની આકૃતિઓ અને મોરપંખની ડિઝાઈન ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી.

આ પ્રસંગે સવારે 5:30 કલાકે પૂજારી સ્વામીજી દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી, જ્યારે સવારે 7:00 કલાકે કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા) દ્વારા આરતી કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરાયું હતું.

બપોરે બદામ, કાજુ, એલચી જેવા ડ્રાયફ્રૂટનો ભવ્ય અન્નકૂટ દાદાને ધરાવવામાં આવ્યો હતો. આ અનેરા દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન માધ્યમથી લઈ ધન્યતા અનુભવી હતી.

પવિત્ર શ્રાવણ માસના પાવન અવસરે શ્રીહરિ મંદિરમાં ભવ્ય અને દિવ્ય હિંડોળા દર્શનનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. હિંડોળાની અદભુત કલાત્મક સજાવટ અને શ્રીજી મહારાજના મનોહર સ્વરૂપના દર્શન કરી ભક્તો ભાવવિભોર બન્યા હતા. આ ઉપરાંત, પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શ્રી હૃદયપ્રકાશ સ્વામી દ્વારા દરરોજ સાંજે 5:00 થી 6:30 કલાક દરમિયાન દિવ્ય કથાનું રસપાન કરાવવામાં આવશે.