નારણપુરા વિસ્તારમાં રહેતા અને ટ્રાવેલ્સ કંપનીના ડેપ્યુટી જનરલ મેનેજર સાથે લાખો રૂપિયાની ઓનલાઇન ક્રેડિટ કાર્ડ ફ્રોડની ઘટના સામે આવી છે. અજાણ્યા ગઠિયાઓએ કોઈપણ પ્રકારના OTP વગર આધેડના અમેરિકન એક્સપ્રેસના બે ક્રેડિટ કાર્ડમાં રજિસ્ટર્ડ ઈમેલ આઈડી બદલી નાખ્યું હતું અને બંને કાર્ડનો સંપૂર્ણ એક્સેસ મેળવી લીધો હતો. ત્યારબાદ ગઠિયાઓએ મેનેજરની જાણ બહાર ક્રેડિટ કાર્ડ્સમાંથી રૂ. 17.12 લાખના ટ્રાન્ઝેક્શન કરી લીધા હતા. આ મામલે ભોગ બનનારે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ઈમેલ આઈડી હેક કરી રૂ. 17.12 લાખના ગેરકાયદે વ્યવહારો કર્યા 26 જૂનના રોજ અજાણ્યા શખ્સોએ આધેડના અમેરિકન એક્સપ્રેસ પ્લેટિનમ ચાર્જ અને ગોલ્ડ ચાર્જ ક્રેડિટ કાર્ડ સાથે છેતરપિંડી આચરી હતી. ગઠિયાઓએ ઈમેલ બદલીને પ્લેટિનમ કાર્ડમાંથી રૂ. 11,19,908 અને ગોલ્ડ કાર્ડમાંથી રૂ. 5,92,522 મળી કુલ રૂ. 17,12,430ના ટ્રાન્ઝેક્શન કરી લીધા હતા.
સવારે મોબાઈલ પર મેસેજ આવતાં જ આધેડે તાત્કાલિક હેલ્પલાઈન પર સંપર્ક કરી બંને કાર્ડ બ્લોક કરાવ્યા હતા. અમુક ટ્રાન્ઝેક્શન રદ થતાં રૂ. 1,16,404 પરત મળ્યા હતા, જેથી તેમને કુલ રૂ. 15,96,026નું આર્થિક નુકસાન થયું હતું.
કંપનીએ ટેમ્પરરી ક્રેડિટ આપીને પરત ખેંચી લેતાં પોલીસ ફરિયાદ ઘટના બાદ ક્રેડિટ કાર્ડ કંપનીએ શરૂઆતમાં તપાસનું કહીને બંને કાર્ડમાં રૂ. 10,27,205 અને રૂ. 5,68,821ની ટેમ્પરરી ક્રેડિટ આપી હતી. જોકે, આશરે દોઢ મહિના પછી કંપનીએ તે રકમ પરત ખેંચી લીધી હતી અને આધેડ પર બિલ ભરવા માટે સતત દબાણ કરવાનું શરૂ કર્યું હતું. કંપનીના આ વલણ અને અજાણ્યા શખ્સો દ્વારા થયેલી લાખો રૂપિયાની છેતરપિંડી બાદ આખરે ભોગ બનનારે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.

